નીતિ આયોગે સરકારને સોના પર આયાત ડ્યૂટી ઘટાડવાનું સૂચન કર્યું છે. હાલ સોના પર આયાત ડ્યૂટી ૧૦ ટકા છે. આ રીતે નીતિ આયોગે આ કીમતી ધાતુ પર જીએસટીનો દર પણ હાલના ત્રણ ટકાથી નીચે લાવવાનું પણ સૂચન કર્યું છે. આ ઉપરાંત નીતિ આયોગે સરકારને સુવર્ણ મુદ્રીકરણ યોજના અને સોવરેન ગોલ્ડ બોન્ડ યોજનાની સમીક્ષા કરીને તેની પુનરરચના કરવાનું સૂચન કરતા બેન્કોમાં નવા ગોલ્ડ સેવિંગ એકાઉન્ટ શરૂ કરવાની પણ સલાહ આપી છે. નીતિ આયોગે સરકારને જણાવ્યું છે કે ગોલ્ડ બોર્ડ અને દેશભરમાં બુલિયન એક્સચેન્જની પણ સ્થાપના કરવામાં આવે. નીતિ આયોગના મુખ્ય સલાહકાર રતન પી. વાટલની આગેવાનીમાં રચાયેલી સમિતિના એક તાજા અહેવાલમાં જણાવાયું છે કે અગાઉ ભારતમાં ઇમ્પોર્ટ ડ્યૂટી ઘટાડવાના સમર્થનમાં એવી દલીલ કરવામાં આવતી હતી કે તેનાથી કરપાલન સુધરશે અને સાથે જ ભારતમાં સ્મગલિંગ દ્વારા આવતા સોનાના પ્રમાણમાં ઘટાડો થશે. રિપોર્ટમાં જણાવાયું છે કે આ સંદર્ભમાં કરવેરાનો અમલ થાય તેવી સિસ્ટમ બનાવવા માટે સોના પર શક્ય હોય એટલી આયાત ડ્યૂટી ઘટાડીને નીચે લાવવી જોઇએ. દરમિયાન વૈશ્વિક સ્તરે સોના-ચાંદીની કીમતી ધાતુમાં તેજી જોવા મળી હતી અને રક્ષાબંધનના તહેવારને ધ્યાનમાં રાખીને સોના-ચાંદીના દાગીનાની માગ વધવાથી શુક્રવારે દિલ્હીના શરાફ બજારમાં સોનું રૂ. ૩૦ ચમકીને પ્રતિ ૧૦ ગ્રામ ૩૦,૬૫૦ની સપાટીએ પહોંચ્યું હતું, જ્યારે સામાન્ય ઘરાકી રહેવાથી ચાંદી પ્રતિકિલોગ્રામ ૩૭,૮૫૦ની સપાટીએ ટકી રહી હતી. લંડન અને ન્યૂયોર્કથી મળતા અહેવાલ અનુસાર લંડનમાં સોનાના ભાવમાં ૫.૪૫ ડોલરની તેજી સાથે પ્રતિઔંસ ૧૧૯૦.૫૦ની સપાટીએ પહોંચી ગયું હતું.


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.