‘હો સકતા હૈ આસમાં મે સુરાખ, એક પત્થર તો તબિયત છે ઉછાલો યારો’ આ ઉક્તિને 8 વર્ષના એક નાઇજિરીયન શરણાર્થીએ ચરિતાર્થ કરી છે. ગમે તેવી આકરી પરિસ્થિત હોય પણ જેનો જુસ્સો આસમાને પહોંચતો હોય તે કદી હારતો નથી એ વાત જાણે કે તાની નામના નાઇજિરીયન શરણાર્થીએ ગળે ઉતારી દીધી હોય તેવું કામ તેણે કર્યું છે. 8 વર્ષના આ છોકરડાંએ ન્યૂયોર્કમાં સ્ટેટ ચેસ ચેમ્પિયનશિપમાં ટ્રોફી જીતી લીધી છે. તાનીનો અહીં સુધીનો પ્રવાસ ઘણો આકરો રહ્યો છે, જો કે કદી હાર ન માનવાનો તેનો જુસ્સો અને આકરી મહેનતને જોરે તે ચેસ ચેમ્પિયન બન્યો છે.
ન્યુયોર્કના મેનહેટન સ્થિત એક શેલ્ટર હોમમાં રહેતો 8 વર્ષનો તાનીએ આ ચેસ ચેમ્પિયનશિપમાં એલીટ પ્રાઇવેટ સ્કૂલના બાળકોને હરાવ્યા હતા. રસપ્રદ વાત એ છે કે તાની નામે ઓળખાતા આ બાળકે ચેસ રમવાનું હજુ એક વર્ષ પહેલા જ શીખ્યું હતું. તે છતાં તેણે પોતાની રમતને એવી નિખારી છે કે આજે 8 વર્ષના આ છોકરા પાસે એક બે નહીં પણ 7 ટ્રોફી છે. તાનીની ખેવના સૌથી નાની વયના ગ્રાન્ડ માસ્ટર બનવાની છે. નાઇજિરીયામાં 2017માં બોકો હરમના ત્રાસવાદીઓએ હુમલા કરવાનું શરૂ કર્યા પછી તાનીનો પરિવાર નાઇજિરીયા છોડીને ચાલ્યો આવ્યો હતો. તાનીને સ્થાનિક સ્કૂલના એક શિક્ષકે ચેસ રમતા શીખવ્યું છે.
