ગાંધીનગર – ગુજરાતના મેટ્રોસિટી અમદાવાદમાં કોરોના વાયરસના પોઝિટીવ કેસોમાં ઉછાળો આવ્યો છે. આરોગ્ય વિભાગ માને છે કે શિલ્ડ કરાયેલા કોટ વિસ્તારમાં વિવિધ મેડીકલ ટીમો દ્વારા સર્વેલન્સ અને મેડીકલ ચેકઅપ તેજ બનાવતાં પોઝિટીવ કેસો વધ્યાં છે. અત્યંત ભયજનક બાબત એવી સામે આવી છે કે કેટલાક કેસોમાં લક્ષણો નહીં હોવા છતાં પોઝિટીવ આવ્યા છે.
ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટીવ કેસોની સંખ્યા વધીને 241 થઇ છે. આજે વધુ 55 કેસો નોંધાયા છે જે પૈકી 50 કેસો અમદાવાદના છે. અમદાવાદના આસ્ટોડીયા, દાણીલીમડા અને ઘોડાસર વિસ્તારમાંથી આ તમામ કેસો સામે આવ્યા છે. એ ઉપરાંત સુરતમાં બે, દાહોદમાં એક, આણંદમાં એખ અને છોટાઉદેપુરમાં એક કેસ સામે આવ્યો છે.
અમદાવાદમાં કોરોનાના પોઝિટીવ કેસો સામે આવ્યા છે તે વિસ્તારોમાં દરિયાપુર, કાલુપુર અને જમાલપુરના છે. શહેરના કોટ વિસ્તારને બફર ઝોન બનાવી દેવામાં આવ્યો છે. કોરોનાનું સંક્રમણ પ્રસરે નહીં તે માટે લોકડાઉનનો કડક અમલ સાથે જે વ્યક્તિ ઘરની બહાર નિકળે અને કોટ વિસ્તારમાં પ્રવેશે તેનું ફરજીયાત મેડીકલ ચેકઅપ કરવામાં આવી રહ્યું છે. આરોગ્ય વિભાગ માને છે કે સર્વેલન્સ શરૂ કરતાં કેસોમાં વધારો નોંધાયો છે.
અમદાવાદમાં લોકડાઉનનો અસરકારક અમલ શરૂ કરવામાં આવેલો છે. કોટ વિસ્તારમાં મેડીકલ સાથે પોલીસની ટીમો ઉભી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને કાલુપુર શાક માર્કેટ અને નહેરૂબ્રીજને બંધ કરી દીધો છે. શહેરની કોટ વિસ્તારના 27 માર્ગોને બંધ કરવામાં આવ્યા છે. કોર્પોરેશન માને છે કે દેશમાંથી લોકડાઉન સમાપ્ત કરવામાં આવે તો પણ અમદાવાદમાં લોકડાઉનનું કડકહાથે પાલન કરવામાં આવશે. ગુજરાતમાં અમદાવાદ, વડોદરા અને સુરત એવા શહેરો બન્યાં છે કે જ્યાં લોકડાઉનનો અમલ હજી વધુ સમય માટે કરવો પડશે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમની કોરટીમની બેઠકમાં કહ્યું હતું કે ગુજરાત માટે સાવધાનીના દિવસોની શરૂઆત થઇ ચૂકી છે. તેમણે મ્યુનિસિપલ કમિશનરો અને જિલ્લા કલેક્ટરોના અભિપ્રાય મેળવ્યા છે.