ગાંધીનગર – કોરોના સંક્રમણ અને તેના પહલે લોકડાઉન કરવાથી ગુજરાતની ઇકોનોમીને કેટલી અસર છે અને કેટલા ઉદ્યોગોની દશા ખરાબ થઇ છે તેનો અભ્યાસ કરવા બનાવેલી ઉચ્ચસ્તરિય કમિટીના ઓફિસરોને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે બોલાવ્યા હતા અને તેમની પાસેથી પ્રાથમિક રિપોર્ટ મેળવ્યો છે.
રાજ્યમાં ઉદ્યોગોને છૂટ આપવાથી કેવો ફરક પડ્યો છે… મજૂરો વતન જતા રહ્યાં છે તો તેનાથી શું નુકશાન છે… વિવિધ સેક્ટરોનું પુનર્ગઠન કેવી રીતે કરી શકાય તેમ છે.. તેવા અનેક સવાલો મુખ્યમંત્રીએ આ અધિકારીઓને પૂછ્યા હતા.
કોરોના વાયરસની સ્થિતિ પછી રાજ્યમાં આર્થિક પૂનનિર્માણ પગલાં અને રાજકોષિય-ફિઝકલ પૂનર્ગઠનની ભલામણો માટે પૂર્વ કેન્દ્રીય નાણાં સચિવ ડૉ. હસમુખ અઢિયાના અધ્યક્ષસ્થાને એક ઉચ્ચસ્તરીય કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટીની બેઠક ગાંધીનગરમાં યોજવામાં આવી હતી.
છ સભ્યોની આ કમિટીમાં આર્થિક ક્ષેત્રના પ્રતિષ્ઠિત તજ્જ્ઞો જેવાં કે IIM અમદાવાદના પૂર્વ પ્રાધ્યાપક પ્રો. રવિન્દ્ર ધોળકીયા, જાણીતા ટેક્ષ કન્સલટન્ટ મુકેશ પટેલ, ફાયનાન્સીયલ એકસપર્ટ પ્રદિપ શાહ, પૂર્વ આઇએએસ અધિકારી કિરીટ શેલત અને સભ્ય સચિવ તરીકે GIDCના એમડી એમ થેન્નારસનનો સમાવેશ થાય છે.
આ કમિટીએ નોંધ્યું છે કે મહામારીના સંકટથી રાજ્યના અર્થતંત્રની ડિમાન્ડ અને સપ્લાય ચેઇનને વિપરીત અસર પડી છે. એટલું જ નહિ, MSME સેકટર સહિતના અન્ય ક્ષેત્રો પણ આ અસરનો ભોગ બનેલા છે. ખાસ કરીને શ્રમિકો તેમના વતન જતા રહેતાં વિવિધ ઉદ્યોગોને માનવબળની અછત વર્તાઇ રહી છે.
મુખ્યમંત્રીએ રાજ્યના ઉદ્યોગ, વેપાર, ધંધા-રોજગારના ક્ષેત્રોને પૂન: ધબકતા કરવા તથા કોવિડ સંકટમાંથી બહાર આવી ઝડપભેર જનજીવન પૂર્વવત કરવાની દિશામાં સર્વગ્રાહી ચર્ચા કરી છે. આ કમિટીના અન્ય કાર્યક્ષેત્રોમાં જે બાબતોને આવરી લેવામાં આવી છે તેમાં રાજ્યની રાજકોષિય-ફિઝકલ અને અંદાજપત્રીય બજેટ સ્થિતિની સમીક્ષા અને તેના સુધારાત્મક પગલાંઓ સૂચવવાની બાબતનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
મહામારીના સમય પછી રાજકોષિય ખાધ-ફિઝકલ ડેફિસીટ અંદાજો અને વર્તમાન કર માળખાની પણ પૂર્નવિચારણા તેમજ પૂર્નગઠનની બાબતે પણ આ કમિટી સરકારને ભલામણો કરવાની છે. આ બેઠકમાં મુખ્યસચિવ અનિલ મુકિમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, અગ્ર સચિવ એમ કે દાસ સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત હતા.


Margi Desai
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.