શહેરમાં અનેક સર્કલો પર મહાપુરુષોની પ્રતિમાઓ મુકાયેલા છે તેમાંથી કોઈ પણ પ્રતિમાને રોજ ફુલ હાર થતા નથી. સુરતમાં વરાછામાં સરદાર પટેલની આ એક માત્ર પ્રતિમા છે જેને રોજ ફુલ હાર થાય છે. દરેક પ્રતિમાઓને જે તે મહાપુરૂષોની જન્મજંયતિ અને પૂણ્યતિથિએ જ ફુલહાર થતાં હોય છે. ખાદીના ઝભ્ભા પહેરીને તેમના નામની જય બોલાવી ફોટા પડાવી પોતાનું કર્તવ્ય પુરૂ થયું સમજી નેતાઓ જતાં રહેતા હોય છે અને અંતે આ ફુલ હારનો જથ્થો સુકાઈ જતો હોય છે.
ચૂંટણીના સમયે ક્યારેક એક જ દિવસમાં બેથી ત્રણ વખત હારતોરા થતાં હોય છે પરંતુ, ચૂંટણી પતી જાય પછી કોઇ રાજનેતા કોઇ મહાપુરૂષોની પ્રતિમા પર હારતોરા તો દુરની વાત રહી ત્યાંથી પસાર થાય ત્યારે દૂરથી નમન કરવાની તસ્દી લેતા નથી. આ સંજોગોમાં વરાછામાં મીનીબજાર ખાતે સરદાર પટેલની પ્રતિમાને દરરોજ તાજા ફુલનો હાર ચડે છે. તે હાલ મહાનગરપાલિકા, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર કે કોઇ સરકારી એજન્સી દ્વારા નહી પરંતુ એક સેવાભાવી વ્યક્તિ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી સરદાર સાહેબને દરરોજ ફુલહાર ચડાવવામાં આવે છે.
ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે જોડાયેલા અને લોકસમર્પણ રક્તદાન કેન્દ્રના પ્રમુખ હરીભાઇ કથીરિયાએ દરરોજ ફુલહાર કરવાની વ્યવસ્થા કરી છે. લોકસમર્પણ રક્તદાન કેન્દ્રમાં સેવા આપતા દયાનંદ પાંડે નામના સેવકને આ કામ માટે હરીભાઇ કથીરિયા તરફથી ફુલહારનો ખર્ચ અને તેમનું મહેનતાણું આપવામાં આવે છે. ભલે રકમ કદાચ નાની હશે પરંતુ વર્ષના 365 દિવસ નિત્ય ક્રમ જાળવી રાખવો તે મોટી વાત છે.