નવી દિલ્હી : ભારતની સ્ટાર મહિલા શટલર પીવી સિંધુઍ સીધી ગેમથી વિજય સાથે અહીં રમાઇ રહેલી ઇન્ડિયા ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટની સેમી ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. જ્યારે પુરૂષ સિંગલ્સમાં ત્રીજા ક્રમાંકિત કિદામ્બી શ્રીકાંત અને વિશ્વના ૫૫માં ક્રમાંકિત પારુપલ્લી કશ્યપે પણ પોતપોતાની ક્વાર્ટર ફાઇનલ જીતી લઇને સેમી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. આ ઉપરાંત ગુરૂવારે ડબલ્સમાં ભારતના ચાર ખેલાડીઓ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ્યા હતા.
વિશ્વની છઠ્ઠી ક્રમાંકિત અને અહીં બીજી ક્રમાંકિત સિંધુઍ મિઆ બ્લેકફિલ્ટને માત્ર ૪૪ મિનીટમાં ૨૧-૧૯, ૨૨-૨૦થી હરાવીને સેમી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો, આ પહેલા તે હોંગકોંગની ૩૭મી ક્રમાંકિત ખેલાડી જેંગ ઝાય શુઆનને માત્ર ૩૨ મિનીટ સુધી ચાલેલી મેચમાં સરળતાથી ૨૧-૧૧, ૨૧-૧૩થી હરાવી ક્વાર્ટરમાં પ્રવેશી હતી. પુરૂષોની ક્વાર્ટર ફાઇનલમાં શ્રીકાંતે પોતાના જ દેશના બી સાઇ પ્રણીતને ૨૧-૨૩, ૨૧-૧૧, ૨૧-૧૯થી હરાવીને સેમીમાં પ્રવેશ મેળવ્યો હતો. આ પહેલા તે શ્રીકાંતે ચીનના લ્યૂ ગુઆંગઝૂને સાવ સરળતાથી ૨૧-૧૧, ૨૧-૧૬થી હરાવીને ક્વાર્ટરમાં આવ્યો હતો. કશ્યપને ચાઇનીઝ તાઇપેઇના વેંગ ઝુ વેઇ પર સીધી ગેમમાં ૨૧-૧૬, ૨૧-૧૧થી વિજય મેળવીને સેમીમાં પ્રવેશ કર્યો હતો.