ગુજરાતમાં ૨૦૧૭ના વર્ષમાં ૨૨૮ લોકોએ રોડ પરના ખાડાને લીધે જીવ ગુમાવ્યો છે. રોડ પરના ખાડાને લીધે ૨૦૧૭ના વર્ષમાં સૌથી વધુ વ્યક્તિના મૃત્યુ થયા હોય તેવા રાજ્યોમાં ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, હરિયાણા બાદ ગુજરાત ચોથા સ્થાને છે. યુનાઇટેડ નેશન્સ દ્વારા ૧૮ નવેમ્બરની ઉજવણી ‘વર્લ્ડ ડે ઓફ રિમેમ્બરન્સ ફોર રોડ ટ્રાફિક વિક્ટિમ્સ ‘ તરીકે કરવામાં આવે છે ત્યારે કથળતી જતી માર્ગ સલામતી ચિંતાનો વિષય છે.
મિનિસ્ટરી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવેસ દ્વારા જારી કરવામાં આવેલા વર્ષ ૨૦૧૭ના અહેવાલ અનુસાર ઉત્તર પ્રદેશમાંથી ૯૮૭, મહારાષ્ટ્રમાંથી ૭૨૬, હરિયાણામાંથી ૫૨૨ વ્યક્તિના રોડ પરના ખાડાને લીધે મૃત્યુ થયા છે. રોડ પરના ખાડાને લીધે સમગ્ર દેશમાંથી ૨૦૧૬માં ૨૩૨૪ અને ૨૦૧૭માં ૩૫૯૭ વ્યક્તિના મૃત્યુ થયા હતા. ગુજરાતમાં રોડ પરના ખાડાને લીધે ૨૨૮ વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. આમ, ગુજરાતમાંથી દર મહિને ૧૯ વ્યક્તિ રોડ પરના ખાડાને લીધે જીવ ગુમાવે છે. આ અહેવાલ અનુસાર ગુજરાતમાંથી ૨૦૧૭ના વર્ષમાં ૭૨૮૯ વ્યક્તિના માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયા હતા. આમ, ગુજરાતમાંથી દરરોજ સરેરાશ ૨૦ વ્યક્તિ માર્ગ અકસ્માતને લીધે જીવ ગુમાવે છે. ગત વર્ષે ગુજરાતમાંથી માર્ગ અકસ્માતને લીધે મૃત્યુ થયા તેમાંથી ૫.૭% ૧૮ વર્ષથી ઓછી ઉંમરના, ૨૪.૪% ૨૫ વર્ષથી ઓછી વયના હતા. આ ઉપરાંત ૮૪% પુરુષોએ માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવ્યો હતો.