શનિવારથી આઇપીએલની 12મી સિઝન શરૂ થઇ રહી છે ત્યારે પ્રથમ મેચમાં જ વિરાટ કોહલીની આગેવાની હેઠળની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ધોનીની આગેવાની હેઠળની ચેન્નઇ સુપર કિંગ્સ બાથ ભીડી રહી છે. આ મેચમાં આરસીબી સામે સીએસકેના સ્પિનરોની કસોટી થવાની સંભાવના છે.
આઇપીએલ શરૂ થાય તે પહેલા જ દક્ષિણ આફ્રિકાનો બોલર લુંગી એન્ગીડી ઇજાને કારણે આઉટ થઇ જતાં સીએસકેને મોટો ફટકો પડ્યો છે. હવે તેમની પાસે એકમાત્ર વિદેશી બોલર તરીકે ડ્વેન બ્રાવો જ છે અને એ સ્થિતિમાં ઉદ્દઘાટક મેચમાં તેમનો દારોમદાર સ્પિનર પર વધુ રહેવાની સંભાવના છે. પ્રથમ મેચમાં જ સીએસકેના બોલિંગ વિભાગની કસોટી થઇ શકે છે. ગત સિઝનમાં સીએસકેની ડોમેસ્ટિક મેચ પુણે શીફ્ટ કરવામાં આવી હતી, પણ આ વર્ષે તેઓ પોતાના ઘરઆંગણે ચેપોક સ્ટેડિયમ પર વાપસી કરી રહ્યા છે.
ચેન્નઇ સુરર કિંગ્સ પાસે રવિન્દ્ર જાડેજા, મિચેલ સેન્ટનર, ઇમરાન તાહિર અને કર્ણ શર્માની સાથે હરભજન સિંહનો સમાવેશ થયો છે. ટીમના કોચ સ્ટીફન ફ્લેમિંગને ન્યુઝીલેન્ડના ડાબોડી સ્પિનર મિચેલ સેન્ટનર પાસે ઘણી આશા છે. તેમણે કહ્યું હતું કે સેન્ટનરનો ભારતીય ઉપખંડમાં રેકોર્ડ ઘણો સારો છે. ગત સિઝનમાં તેની ખોટ સાલી હતી. તેમણે એવું કહ્યું હતું કે અમે ગત વર્ષે અમારા ઝડપી બોલરોને તક આપી હતી. આ વખતે ઇમરાન તાહિર સારા ફોર્મમાં છે. કર્ણ શર્માની સાથે હરભજનનો અનુભવ અમારી વ્યુહરચનાને કારગત બનાવશે. સીએસકેની ટીમ સાથે સેન્ટનર અને તાહિર ઉપરાંત ફાફ ડુ પ્લેસિસ શુક્રવારે મોડેથી ટીમ સાથે જોડાઇ જાય તેવી સંભાવના છે.
