પાછલાં બે વર્ષમાં ભારતના રોકાણકારોએ બીએસઈ-૫૦૦ કંપનીઓમાં રોકાણ હિસ્સો વધાર્યો
શેરબજાર નવી ઊંચાઇએ ગઇ કાલે બંધ જોવા મળ્યું છે. નિફ્ટી પ્રથમ વાર ૯૪૦૦ની સપાટીની ઉપર ગઇ કાલે છેલ્લે ૯૪૦૭ની સપાટીએ બંધ જોવાઇ છે. બીએસઇની અગ્રણી ૫૦૦ કંપનીઓમાં રોકાણ હિસ્સાના મામલે વિદેશી રોકાણકારનું-એફપીઆઇ વર્ચસ્વ ઘટી રહ્યું છે. પાછલાં બે વર્ષમાં ભારતના રોકાણકારોએ બીએસઇ-૫૦૦ કંપનીઓમાં રોકાણ હિસ્સો વધાર્યો છે. સંસ્થાકીય રોકાણકારોએ બીએસઇ-૫૦૦ કંપનીઓમાં રોકાણ હિસ્સો વધીને ૨૨.૨ ટકાની સપાટીએ પહોંચી ગયો છે. આ સમયગાળામાં એફપીઆઇની રોકાણ હિસ્સેદારી ઘટીને ૨૩.૭ ટકાની સપાટીએ પહોંચી ગયું છે.પ્રાપ્ત માહિતી મુજબ માર્ચ ૨૦૧૭ના અંત સુધીમાં એફપીઆઇએ બીએસઇ -૫૦૦ કંપનીઓમાં એક અંદાજ મુજબ ૨૫ લાખ કરોડનું રોકાણ કર્યું હતું, જે માર્ચ-૨૦૧૫ના ૨૩.૭ લાખ કરોડની સપાટીથી ૫.૬ ટકા વધુ છે.
બીએસઇ-૫૦૦ કંપનીઓમાં સ્થાનિક રોકાણકારોએ કુલ રોકાણ એક અંદાજ મુજબ ૨૩.૩ લાખ કરોડ રૃપિયાનું કર્યું છે, જે માર્ચ-૨૦૧૫ની સરખામણીએ ૩૪.૪ ટકાનો ઉછાળો દર્શાવે છે.વિદેશી રોકાણકાર એચડીએફસી બેક્ન, એચડીએફસી અને ઇન્ફોસિસના શેરમાં રોકાણ કરવાનું વધુ પસંદ કરે છે, જ્યારે સ્થાનિક સંસ્થાગત રોકાણકાર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, લાર્સન એન્ડ ટુબ્રો અને એચડીએફસી બેન્કમાં વધુ રોકાણરૃપી ખરીદી કરી રહ્યા છે.