દેશમાં કપાસના વાવેતરમાં ચાલુ વર્ષે ૨૧ ટકાનો વધારો થતાં નવી સીઝનમાં રૂનું ઉત્પાદન વધવાના અને ૪૦૦ લાખ ગાંસડીના ઊંચા અંદાજ મુકાઈ રહ્યા છે ત્યારે દેશના સૌથી મોટા વાવેતર વિસ્તાર ધરાવતા મહારાષ્ટ્રની જિનિંગ મિલોએ અત્યારથી જ મંદીને રોકવાના પ્રયાસ શરૂ કરી દીધા છે અને આગામી દિવસોમાં મહારાષ્ટ્રની ૧૫થી વધુ જિનિંગ મિલોના માલિકોએ સિંગાપોરની મુલાકાત લેવાનું આયોજન ઘડ્યું છે.
મહારાષ્ટ્રની ખાનદેશ જિન-પ્રેસ ફૅક્ટરી ઓનર્સ અસોસિએશન દ્વારા વિશ્વની સૌથી મોટી કૉમોડિટી કંપનીઓ સિંગાપોરમાં આવેલી હોવાથી એનું પ્રવાસ કરવાનું નક્કી કર્યું છે. સિંગાપોરના પ્રવાસ દરમ્યાન આ ડેગિલેશન લ્યુસ ડેફર્સ અને ઓલમ ઇન્ટરનૅશનલ જેવી મલ્ટિનૅશનલ કંપનીઓની પણ મુલાકાત લેશે. આ મુલાકાતનો એક હેતુ એ પણ છે કે ભારતીય રૂમાં કયા પ્રકારના માપદંડ કે ક્વૉલિટીની જરૂર છે જે બાયર કંપનીઓ ભારતીય રૂમાંથી ઇચ્છે છે એમ અસોસિએશનના પ્રમુખ પ્રદીપ જૈને જણાવ્યું હતું.
અસોસિએશન દ્વારા માત્ર સિંગાપોરમાં ભારતીય રૂબજારનું પ્રેઝન્ટેશન આપવાનું નથી, પરંતુ વનટુવન બેઠકનું પણ આયોજન કર્યું છે. એ ઉપરાંત એવું પણ આયોજન છે કે આ કંપનીઓના એશિયાના વડાઓને ભારતની મુલકાત લેવાનું પણ આમંત્રણ આપીશું જેથી તેઓ ભારતીય રૂને નજીકથી જુએ જેથી ભારતની રૂની નિકાસમાં વધારો થઈ શકે છે.
પ્રદીપ જૈને વધુમાં કહ્યું હતું કે ‘અસોસિએશન દ્વારા થોડાં વર્ષો પહેલાં ચીનમાં પણ આ પ્રકારે મુલાકાત લેવામાં આવી હતી અને ત્યાર બાદ રૂની નિકાસમાં વધારો થયો હતો. બંગલા દેશ, પાકિસ્તાન અને વિયેટનામ જેવા પાડોશી દેશો માટે પણ તાજેતરમાં એક બેઠક યોજવામાં આવી હતી જેમાં પણ રૂનાં સૅમ્પલ રાખવામાં આવ્યાં હતાં.
ભારતીય કૉટન માર્કેટમાં ઓલમ ઇન્ટરનૅશનલ ચાલુ વર્ષે ભાવની બાબતમાં કિંગમેકર પણ સાબિત થઈ છે અને મોટી માત્રામાં રૂની ખરીદી પણ કરી છે. વળી એલડી કંપની પણ ભારતીય રૂ સહિતની કૉમોડિટીની ખરીદીમાં સક્રિય હોવાથી સિંગાપોરના પ્રવાસ બાદ ભારતમાંથી રૂની ખરીદી વધે એવી પણ સંભાવના દેખાઈ રહી છે.