નવી દિલ્હી : ફેબિયો ફોગ્નીનીએ રવિવારે દુસાન લાજોવિચને હરાવીને મોન્ટે કાર્લો માસ્ટર્સ ટાઇટલ જીતી લીધું હતું. સેમી ફાઇનલમાં 11 વારના ચેમ્પિયન રાફેલ નડાલને અપસેટ કરીને ટુર્નામેન્ટમાંથી આઉટ કરનારા ફોગ્નીનીએ દુસાનેને એક કલાક 38 મિનીટ સુધી ચાલેલી ફાઇનલમાં 6-3, 6-4થી હરાવ્યો હતો. આ સાથે જ ફોગ્નીની એટીપી માસ્ટર્સ 1000 ટાઇટલ જીતનારો પ્રથમ ઇટાલિયન ખેલાડી બન્યો હતો.
ટુર્નામેન્ટમાં 13મો ક્રમાંકિત ફોગ્નીની આ ટ્રોફી જીતનારો સૌથી નીચલી રેન્કિંગવાળો ખેલાડી છે. આ પહેલા 1999માં 13માં ક્રમાંકિત ગુસ્તાવો કુએર્ટને આ ટ્રોફી જીતી હતી. ફોગ્નીની આ વિજયને કારણે હવે જાહેર થનારા એટીપી રેન્કિંગમાં 12માં ક્રમે પહોંચી જશે.