ક્વોલિફાયર પ્રજનેશ ગુણેશ્વરન મિયામીમાં શરૂ થયેલી 8,359,455 ડોલરનું ઇનામ ધરાવતી એટીપી માસ્ટર્સ 1000 મિયામી ઓપન ટેનિસ ટૂર્નામેન્ટના મુખ્ય ડ્રોમાં જોરદાર રિધમ સાથે પ્રવેશ્યો તો ખરો પણ પુરૂષ સિંગલ્સની પ્રથમ જ મેચમાં તે સ્પેનના જોમે મુનાર સામે સીધા સેટમાં હારીને બહાર ફેંકાઇ ગયો હતો. 21 વર્ષના સ્પેનિશ ખેલાડીએ એક કલાક અને 39 મિનીટ સુધી ચાલેલી આ મેચમાં પ્રજનેશને 7-6, 6-4થી હરાવ્યો હતો.
આ પહેલા ભારતના પ્રજનેશે ગુરૂવારે બ્રિટનના જે ક્લાર્કને હરાવીને મિયામી ઓપનના મુખ્ય ડ્રોમાં પ્રવેશ કર્યો હતો. આ સાથે જ તે સતત બીજીવાર કોઇ માસ્ટર્સ ટુર્નામેન્ટના મુખ્ય ડ્રોમાં પ્રવેશ્યો હતો. તેણે બ્રિટનના ક્લાર્કને 6-4, 6-4થી હરાવીને મિયામી ઓપનના મુખ્ય ડ્રોમાં પોતાની ક્વોલિફાયર તરીકે એન્ટ્રી કરાવી હતી. આ પહેલા અઠવાડિયાના પ્રારંભે જ કેરિયરની સર્વશ્રેષ્ઠ રેન્કિંગ મેળવનાર પ્રજનેશ ઇન્ડિયન વેલ્સ ટેનિસ ટુર્નામેન્ટમાં ત્રીજા રાઉન્ડ સુધી પહોંચ્યો હતો.
