ભારતની સૈન્ય શક્તિમાં ઓર વધારો થવા જઇ રહ્યો છે. હવે ભારત સામે કોઇ લાલ આંખ દેખાડતા પહેલા સો વખત વિચાર કરશે કારણ કે રશિયાએ ભારતને વિમાન ભેદી મિસાઇલ પ્રણાલી એસ-૪૦૦ ત્રિઉંફ આપવા માટેની તૈયારી કરી લીધી છે અને બન્ને સરકારો શરતો પર સામાન્ય ચર્ચા કરી રહી છે. રશિયાના નાયબ વડાપ્રધાન દિમિત્રી રોગોજિને અત્રે પત્રકારોને કહ્યું કે ભારતને વિમાન ભેદી મિસાઇલ પ્રણાલી એસ-૪૦૦ આપવાને લઇને પ્રીકોન્ટ્રાક્ટ તૈયારીઓ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે આ ડિફેન્સ સિસ્ટમ એક સાથે ૩૬ મિસાઇલોને તોડી પાડવામાં સક્ષમ છે.
તેમણે કહ્યું કે ભારતને વિમાન ભેદી મિસાઇલ પ્રણાલી એસ-૪૦૦ આપવાને લઇને પ્રીકોન્ટ્રાક્ટ તૈયારીઓ ચાલી રહી છે. રશિયાની સરકારી સંવાદ સમિતિ તાસ ન્યુઝ એજન્સીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ રશિયન શહેરની યાત્રાથી અલગ રોગોજિનને ટાંકતા કહ્યું કે એ કહેવું અઘરૂ છે કે તેમાં હજી કેટલો સમય લાગશે. સરકારો વચ્ચે એક સમજૂતી છે અને હવે અમે શરતો પર સામાન્ય રીતે ચર્ચા કરી રહ્યાં છીએ.
ભારતે ગત વર્ષે ૧૫ ઓક્ટોબરે રશિયા સાથે ત્રિઉંફ વાયુ રક્ષા પ્રણાલીને લઇને એક કરારની જાહેરાત કરી હતી જેની કિંમત પાંચ અબજ ડોલર કરતાં વધારે છે. ભારતે આ સાથે જ ચાર યુદ્ઘપોત નિર્માણમાં સહયોગ અને કામકોવ હેલિકોપ્ટર માટે એક સંયુક્ત નિર્માણ યુનિટ સ્થાપિત કરવાની પણ જાહેરાત કરી હતી. ભારત અને રશિયા વચ્ચે મિસાઇલ ડિફેન્સ સિસ્ટમને લઇને એક વર્ષથી જ વાતચીત ચાલી રહી હતી. માનવામાં આવી રહ્યુું છે કે રશિયાએ હા પાડતાની સાથે જ આ ડીલ હવે પાકી થઇ ગઇ છે. ગત વર્ષે ગોવામાં યોજાયેલ બ્રિક્સ સમિટ દરમ્યાન જ ૩૨ હજાર કરોડથી વધારેનો રક્ષા સોદો થયો હતો જે અંતર્ગત ભારત રશિયા પાસેથી પાંચ એસ-૪૦૦ એન્ટી મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ અને ૨૦૦ કામોવ કેએ-૨૨૬ ટી હેલિકોપ્ટર ખરીદશે. ૪૦ હેલિકોપ્ટર રશિયાથી આવશે અને બાકી દેશમાં જ બનશે.