ભારત દ્વારા પાકિસ્તાન સુપર લીગ (પીએસએલ)ના સીધા પ્રસારણ પર પ્રતિબંઘ લગાવાયાના એક મહિના પછી પાકિસ્તાને ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ના પ્રસારણ પર પ્રતિબંધ મુકી દીધો છે. પાકિસ્તાનના માહિતી પ્રસારણ મંત્રી ફવાદ ચૌધરીએં આ વાતની પુષ્ટિ કરી છે. આ નિર્ણય ભારતમાં પીએસએલના સત્તવાર પ્રસારક ડી સ્પોર્ટ દ્વારા પુલવામા ત્રાસવાદી હુમલાને ધ્યાને લઇને પ્રસારણ રોકવાના એક મહિના પછી લેવાયો છે.
ભારતીય કંપની આઇએમજી રિલાયન્સે પણ પીએસએલના વિશ્વવ્યાપી ટીવી કવરેજ સંબંધી કરાર તોડી નાંખ્યો હતો. જેનાથી લીગે ટૂર્નામેન્ટ વચ્ચેથી જ નવી પ્રોડક્શન કંપની સાથે કરાર કરવો પડ્યો. ચૌધરીએ કહ્યું હતું કે પીએસએલ દરમિયાન જે રીતે ભારતીય કંપનીઓ અને સરકારે પાકિસ્તાન ક્રિકેટ સાથે જે વર્તણુંક કરી, તે અમે એ સહન ન કરી શકીએ, તેથી અમારે ત્યાં આઇપીએલ બતાવી નહીં શકાય.
તેમણે ભારતીય ટીમ પર પણ ક્રિકેટના રાજકીયકરણ કરવાનો આરોપ મુક્યો હતો. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)એ આઇસીસીને વિનંતી કરી હતી કે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વનડે સિરીઝ દરમિયાન સૈન્યની વિશેષ કેપ પહેરનારા ભારતીય ખેલાડીઓ સામે કાર્યવાહી કરવામાં આવે. જો કે આઇસીસીએ કહ્યું હતું કે ભારતીય ટીમે આઇસીસી પાસે તેની પહેલાથી મંજૂરી લીધી હતી.
