નવી દિલ્હી: ખેતીવાડી ક્ષેત્રની સારી કામગીરી છતાં નોટબંધીના વર્ષ ૨૦૧૬-૧૭માં ભારતનો આર્થિક વિકાસ દર ધીમો પડીને ૭.૧૪ ટકા રહ્યો હતો.
નવમી નવેમ્બર, ૨૦૧૬થી અમલી બનેલા ચલણના ડિમોનેટાઇઝેશન પછીના ત્રિમાસિક સમયગાળા જાન્યુઆરી- માર્ચમાં ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) ૬.૧ ટકા રહ્યો હતો.
પાયાના વર્ષ ૨૦૧૧-૧૨ની નવી સિરીઝનો જીડીપી ૨૦૧૫-૧૬માં વિસ્તરીને આઠ ટકા થયો હતો. જૂની સિરીઝમાં આ આંક ૭.૯ ટકાનો હતો.
સેન્ટ્રલ સ્ટેટેસ્ટિકલ ઓફિસ (સીએસઓ)એ જારી કરેલા ડેટા અનુસાર ૩૧ માર્ચે પૂરા થયેલા પાછલા નાણાકીય વર્ષમાં ગ્રોસ વેલ્યુ એડેડ (જીવીએ) તીવ્ર ઘટાડા સાથે ૬.૬ ટકાએ પહોંચ્યો હતો, જે ૨૦૧૫-૧૬માં ૭.૯ ટકા સુધી વૃદ્ધિ પામ્યો હતો. ૨૦૧૬-૧૭ના ત્રીજા અને ચોથા ક્વાર્ટરમાં ‘જીવીએ’ ઘટીને અનુક્રમે ૬.૭ ટકા અને ૫.૬ ટકાની સપાટીએ પહોંચ્યો હતો, જે અગાઉ અનુક્રમે ૭.૩ ટકા અને ૮.૭ ટકાની સપાટીએ હતો.
આવું નોટબંધીને કારણે થયું હોવાનું જણાય છે, કારણ કે તેના પછી ખેતીવાડી સિવાયના દરેક ક્ષેત્રમાં પીછેહઠ જોવા મળી હતી. મેન્યુફેકચરિંગ સેકટરનો ઉત્પાદન ગ્રોથ ચોથા ક્વાર્ટરમાં ૧૨.૭ ટકા સામે ૫.૩ ટકા રહ્યો હતો.
ક્ધસ્ટ્રકશન સેકટર નેગેટીવ ટેરિટરીમાં ધસી ગયું હતું. જ્યારે સારા વરસાદને કારણે ખેતીવાડીનો વિકાસદર ૦.૭ ટકાના મામૂલી સુધારા સામે ૪.૯ ટકા સુધી પહોંચ્યો હતો. ચોથા ક્વાર્ટરમાં એગ્રીકલ્ચરનો જીવીએ ૧.૫ ટકા સામે ૫.૨ ટકા રહ્યો હતો.
૨૦૧૬-૧૭માં ડેટા અનુસાર વર્ષ ૨૦૧૫-૧૬ની અંદાજિત રૂ. ૯૪,૧૩૦ની વ્યક્તિદીઠ આવક સામે ૯.૭ ટકા વધીને અંદાજે રૂ. ૧,૦૩,૨૧૯ સુધી પહોંચી છે.