ચૂંટણીપંચે આજે દેશભરમાં વધતા કોવિડ -19 કેસોના પગલે 2જી મેના રોજ મતગણતરી દરમિયાન અને પછી તમામ વિજય સરઘસો પર પ્રતિબંધ મૂક્યો હતો. ગઈકાલે મદ્રાસ હાઇકોર્ટે ગયા મહિને યોજાયેલ ચૂંટણીના ચૂંટણી પ્રચાર દરમિયાન કોવિડ પ્રોટોકોલના ઉલ્લંઘન સામે લાલ આંખ કરી હતી. અને રાજકીય પક્ષોને ભીડ ભેગી કરવાની વિરુદ્ધમાં ચુંટણી પંચની ઝાટકણી કાઢી હતી.
ચૂંટણી પંચે એ વિજેતા ઉમેદવારને ચૂંટણીનું પ્રમાણપત્ર પ્રાપ્ત કરવા માટે આવતા લોકોને પણ મનાઈ કરી દીધી છે. ચુંટણી પંચે જણાવ્યું હતું કે, આ નિર્ણય દેશભરના કોવિડ -19 કેસોમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે સોમવારે મદ્રાસ હાઈકોર્ટે ચુંટણી આયોગની ટીકા કરી હતી અને કહ્યું હતું કે “આજે આપણે જે પરિસ્થિતિમાં છીએ તેના માટે જવાબદાર એકમાત્ર ચુંટણી પંચ છે.
હાઈકોર્ટે ચુંટણી આયોગની ઝાટકણી કાઢ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે કોરોનાની બીજી લહેર વચ્ચે રાજકીય પક્ષો યોગ્ય કોવિડ પ્રોટોકોલનું પાલન કરે તે સુનિશ્ચિત કરવા માં ચૂંટણીપંચ સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યું છે. આ કોર્ટના કોવિડ પ્રોટોકોલનું પાલન કરવાના નિર્દેશ છતાં ચૂંટણી પંચ રાજકીય પક્ષોને રેલીઓ યોજવા સામે પગલાં લેવામાં નિષ્ફળ રહ્યું છે. ”એઆઈએડીએમકેના નેતા અને તમિલનાડુના પરિવહન પ્રધાન એમ આર વિજયભાસ્કરે કરેલી અરજીની સુનાવણી દરમિયાન મદ્રાસ હાઈકોર્ટે અવલોકન કર્યું હતું. એઆઈએડીએમકેના નેતાએ ચૂંટણી પંચ સમક્ષ તેના મત વિસ્તારમાં 2જી મેના રોજ મતગણતરી દરમિયાન કડક કોવિડ પ્રોટોકોલ લાગુ કરવાની માંગ કરી છે.
આ ઉપરાંત ખંડપીઠે ચૂંટણી પંચને 2જી મે પહેલાં કોવિડ પ્રોટોકોલ કેવી રીતે જાળવી રાખવામાં આવશે તે અંગેનો બ્લુપ્રિન્ટ તૈયાર કરવા નિર્દેશ આપ્યો હતો. આ સાથે કોર્ટે ચેતવણી પણ આપી હતી કે જો ચૂંટણી પંચ પગલાં લેવામાં નિષ્ફળ જશે તો મતગણતરી બંધ કરવાનો આદેશ કરશે.