નવી દિલ્હી- ઇન્કમ ટેક્સ ઓથોરિટીઝનું ધ્યાન હવે એવા લોકો પર છે જેમણે એફડીના વ્યાજની મોટી કમાણી કરી છે પણ ટેક્સ નથી ભર્યો, જેમણે એફડી દ્વારા 5 લાખ કે તેથી વધુની આવક વ્યાજથી કરી હોય તેવા લોકોમાં વરિષ્ઠ નાગરિકો પણ છે. વરિષ્ઠ નાગરિકો પોતાની કરપાત્ર આવકમાં વ્યાજથી મળેલી રકમ શામેલ નથી કરતાં અથવા તો રીટર્ન ફાઇલ નથી કરતાં. કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડના વરિષ્ઠ અધિકારીઓના હવાલે આ જાણકારી મળી હતી.
આ પગલું ટેક્સ બેઝ વધારવાનો સરકારનો વધુ એક પ્રયત્ન છે. જેમાં ટેક્સ અધિકારીઓની નજર પ્રોફેશનલ્સ પર પણ છે જેઓ રોકડમાં ફી લે છે અને પોતાની આવક કદી દર્શાવતાં નથી પરંતુ તેમની જીવનશૈલી એશોઆરામભરી હોય છે. આવા કરચોરો ત્યારે જ પકડમાં આવે છે જ્યારે તેમના પર દરોડાની કાર્યવાહી કરવામાં આવે. તગડી ફી વસૂલતાં ડોક્ટર્સ પણ આ શ્રેણીમાં આવે છે તેમ એક અધિકારીનું કહેવું હતું.
પરંતુ વ્યાજની આવક માટે આવું કહી શકાતું નથી. ટેક્સ વિભાગ આ માટે બેંકો પાસે ઉપલબ્ધ માહિતીઓનો ઉપયોગ કરે છે કારણ કે બેંકો જ એફડી પર ટીડીએસ કાપે છે. સૂત્રોનું કહેવું હતું કે કેટલાક કેસમાં 10 ટકા ટેક્સ કપાય છે તો ક્યાંક એવા લોકો પણ છે જેઓ 30 ટકા ટેક્સના દાયરામાં હોવા છતાં ટેક્સ નથી ભરતાં. ટેક્સ વિભાગની નજર હવે એવા લોકો પર છે. ટેક્સ વિભાગ નાની આવક ધરાવાતાં જૂથ પરથી મોટી આવક ધરાવતાં જૂથ પાછળ ધ્યાન કેન્દ્રિત કરવા જઇ રહ્યું છે. આ તમામ કવાયતનો મૂળ હેતુ રીટર્ન ફાઇલ કરવાવાળાઓની સંખ્યા એક કરોડ સુધી પહોંચાડવાનો છે.