તાઇપેઇ : ભારતની સ્ટાર શૂટર મનુ ભાકર અને યુવા શૂટર સૌરભ ચૌધરીઍ પોતપોતાની ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યા હતા. મનુઍ શુક્રવારે ૧૨મી ઍશિયન ઍરગન ચેમ્પિયનશિપમાં મહિલા કેટેગરીની ૧૦ મીટર ઍક પિસ્તોલ ઇવન્ટમાં ગોલ્ડ મેડલ પર નિશાન સાધ્યું હતું, જ્યારે સૌરભે પુરૂષોની ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ જીત્યો હતો. આ સાથે જ મનુ ભાકર અને સૌરભે આ ચેમ્પિયનશિપમાં બીજા ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ પહેલા બંને સાથે મળીને ૧૦ મીટર ઍર પિસ્તોલની મિક્ષ્ડ ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ જીતી ચક્યા છે.
મનુ ભાકરે ૨૩૯નો સ્કોર કરીને ગોલ્ડ જીત્યો હતો, જ્યારે હોંગકોંગની શિંગ હો ચિંગે ૨૩૭.૯ના સ્કોર સાથે સિલ્વર અને યૂઍઇની વાફા અલાઇઍ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ તરફ મિક્ષ્ડ ટીમ ઇવેન્ટમાં નિરાશાજનક પ્રદર્શન કરનારા અભિષેક વર્માઍ પુરૂષોની ૧૦ મીટર ઍર પિસ્તોલ સિંગલ્સ ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો. જ્યારે મહિલા પિસ્તોલ ટીમે પણ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. સૌરભ ચૌધરી ૧૦ મીટર ઍર પિસ્તોલ ઇવેન્ટમાં ચોથા સ્થાને રહ્યો હતો. ભારતીય શૂટર્સે ચેમ્પિયનશિપમાં અત્યાર સુધીમાં પાંચ ગોલ્ડ, ત્રણ સિલ્વર અને ઍક બ્રોન્ઝ મળીને કુલ ૯ મેડલ જીત્યા છે.