નવી દિલ્હી : અહીં રમાઇ રહેલી ઇન્ડિયા ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં ભારતની સ્ટાર મહિલા શટલર પીવી સિંધુએ સીધી ગેમથી વિજય સાથે ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. જ્યારે પુરૂષ સિંગલ્સમાં ત્રીજા ક્રમાંકિત કિદામ્બી શ્રીકાંત સહિત ચાર ખેલાડીઓએ અંતિમ આઠમાં પોતાનું નામ દાખલ કરાવી દીધું હતુ. આ ઉપરાંત ડબલ્સમાં ભારતના ચાર ખેલાડીઓ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ્યા હતા.
વિશ્વની છઠ્ઠી ક્રમાંકિત અને અહીં બીજી ક્રમાંકિત સિંધુએ હોંગકોંગની 37મી ક્રમાંકિત ખેલાડી જેંગ ઝાય શુઆનને માત્ર 32 મિનીટ સુધી ચાલેલી મેચમાં સરળતાથી 21-11, 21-13થી હરાવી હતી. પુરૂષ સિંગલ્સમાં શ્રીકાંત સિવાય બી સાઇ પ્રણીત, પારુપલ્લી કશ્યપ, જાયન્ટ કિલર એચએસ પ્રણોયે પણ બીજા રાઉનન્ડમાં વિજય મેળવીને ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન પાકું કર્યું હતું,. જો કે સમીર શર્મા અને શુભંકર ડેએ હારનો સામનો કરવો પડ્યો હતો. મહિલા સિંગલ્સમાં ભારતની અન્ય એક ખેલાડી ક્વોલિફાયર રિયા મુખર્જીએ પણ પરાજય વેઠવો પડ્યો હતો.