ઇપોહ (મલેશિયા) : મનદીપ સિંહની હેટ્રિકની મદદથી અહીં રમાઇ રહેલી અઝલન શા કપ હોકી ટુર્નામેન્ટમાં ભારતીય ટીમે કેનેડાને ૭-૩થી કચડી નાંખીને ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. મનદીપે ૨૦મી, ૨૭મી અને ૨૯મી મિનીટમાં ગોલ કર્યા હતા. ભારતીય ટીમે કેનેડા સામેની છેલ્લી છ મેચમાંથી આ ચોથો વિજય મેળવ્યો છે. આ દરમિયાન ભારતીય ટીમે ઍક મેચ ડ્રો કરી હતી અને ઍક મેચમાં તેમનો પરાજય થયો હતો.
આ મેચમાં ભારતીય ટીમે શરૂઆતથી જ દબાણ ઊભું કર્યુ હતુ અને હાફ ટાઇમ સુધીમાં ભારતીય ટીમની સરસાઇ ૪-૦ની હતી. મેચની ૧૨મી મિનીટમાં વરુણ કુમારે ગોલ કરીને ભારતીય ટીમને ૧-૦ની સરસાઇ અપાવી અને તે પછી મનદીપ સિંહના હેટ્રિક ગોલની મદદથી ભારતીય ટીમની સરસાઇ ૪-૦ પર પહોંચી હતી. પહેલા હાફમાં આ સ્કોર સાથે ભારતીય ટીમ મજબૂત સ્થિતિમાં પહોંચી ગઇ હતી.
તે પછી બીજા હાફમાં રમત શરૂ થઇ ત્યારે કેનેડાના માર્ક પીયરસને ૩૫મી મિનીટમાં ગોલ કર્યો હતો. તે પછી ભારતના અમિત રોહિદાસે ૩૯મી મિનીટમાં, વિવેક પ્રસાદે ૫૫મી અને નિલાકાંતા શર્માઍ ૫૮મી મિનીટમાં ગોલ કરીને ભારતના ગોલની સંખ્યા ૭ પર પહોંચાડી હતી. આ દરમિયાન કેનેડા વતી ફિન બૂથરાયડે ૫૦મી અને જેમ્સ વાલાસે ૫૭મી મિનીટમાં ગોલ કર્યા હતા. ભારતીય ટીમ આમ તો ફાઇનલમાં પહોંચી ગઇ છે અને હવે તેણે ઍક લીગ મેચ પોલેન્ડ સામે શુક્રવારે રમવાની છે.
