Ripley Castle : 700 વર્ષ જૂનો શાહી મહેલ 225 કરોડમાં વેચાશે, જેમાં ક્રિકેટ પીચ, હોટેલ અને 11 બેડરૂમનો સમાવેશ
ઈતિહાસિક રિપ્લે કિલ્લો પહેલીવાર વેચાણ માટે ઉપલબ્ધ
225 કરોડની ભવ્ય મિલકત, જેમાં ક્રિકેટ પીચ, હોટેલ અને શાહી વસવાટ
Ripley Castle : યુકેના ઉત્તર યોર્કશાયર ખાતે હેરોગેટ નજીક આવેલો 700 વર્ષ જૂનો રિપ્લે કિલ્લો પહેલીવાર વેચાણ માટે મુકાયો છે. 445 એકરમાં વિસ્તરેલી આ ભવ્ય મિલકતની કિંમત ₹225 કરોડ (અંદાજે £21 મિલિયન) રાખવામાં આવી છે. જો આ રકમમાં વેચાય છે, તો લંડન બહારની આ અત્યાર સુધીની સૌથી મોંઘી મિલકતોમાં સામેલ થઈ શકે છે.
ઇતિહાસ અને વારસો
રિપ્લે કિલ્લાની શરૂઆત 14મી સદીમાં થઈ હતી, જ્યારે સર થોમસ ઇંગિલ્બી અહીં વસવાટ કરતા. તેઓએ 1308-09માં એડલિન થેવેન્સ સાથે લગ્ન કર્યા, જેના દહેજ રૂપે આ મિલકત તેમના પરિવારના વારસામાં આવી. 700 વર્ષથી ઇંગિલ્બી પરિવારનું ઘર રહેલો આ કિલ્લો ઇંગ્લેન્ડના ઇતિહાસનો મહત્વપૂર્ણ ભાગ રહ્યો છે.
મોટી મિલકત જાળવી રાખવાનું પડકારજનક
સર થોમસ અને લેડી ઇંગિલ્બીએ દાયકાઓ સુધી કિલ્લાની સંભાળ રાખ્યા બાદ નિર્વિઘ્ન જીવન જીવવા અને નિવૃત્તિ લેવાના નિર્ણય સાથે તેને વેચવાનો નિર્ણય કર્યો છે. સર થોમસ કહે છે, “આ જગ્યા માટે મારો લાગણીસભર સંબંધ છે. 50 વર્ષથી હું તેની જાળવણી કરી રહ્યો છું. જો કે, હવે મારે શાંતિથી થોડું જીવન જીવવું છે.”
વિશિષ્ટ સુવિધાઓ
આ ઐતિહાસિક કિલ્લામાં ક્રિકેટ પીચ, હોટેલ, ટી હાઉસ, ગિફ્ટ શોપ અને મેરેજ હોલ છે. ઉપરાંત, 11 બેડરૂમ, 6 બાથરૂમ અને 3 વિશિષ્ટ ગેસ્ટ રૂમ પણ તેમાં સામેલ છે. લેડી ઇંગિલ્બી કહે છે, “હું આશા રાખું છું કે નવો માલિક આ કિલ્લાનું સન્માન કરશે, કેમ કે ઇંગિલ્બી પરિવારનો ઈતિહાસ, ઈંગ્લેન્ડના ઇતિહાસ સાથે જોડાયેલો છે.”
આ મહેલના નવા માલિક કોણ બનશે અને ઇંગિલ્બી પરિવારના વારસાગત ઈતિહાસનો નવો અધ્યાય શું લખાશે, તે જોવું રસપ્રદ રહેશે.