શ્રી વૈષ્ણો દેવીના દર્શન અહીં જલ્દી જ દર્શન શરૂ થઇ શકશે. જેને લઇને શ્રાઇન બોર્ડે એસઓપી તૈયાર કરી લીધી છે. દરરોજ 5 થી 7 હજાર લોકોને દર્શનની મંજૂરી મળશે. દર્શન માટે કટરા આવતાં પહેલાં ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. લોકડાઉન બાદથી જ અહીં શ્રદ્ધાળુઓ માટે દર્શન ઉપર પ્રતિબંધ છે. પરંતુ, રોજ સવાર-સાંજ પૂજા થઇ રહી છે. બાબા શિવધરના વંશજ અહીં પૂજા કરી રહ્યા છે. આ લોકો 500 વર્ષથી પૂજા કરી રહ્યા છે. 500 વર્ષમાં આવું પહેલીવાર થયું છે કે, દર્શન રોકી દેવામાં આવ્યાં છે. ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન પણ અહીં દર્શન ઉપર પ્રતિબંધ ન હતો. હવે કોરોનાથી બચવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવું પડશે.
જેને લઇને શ્રાઇન બોર્ડ કામ કરી રહ્યું છે. દર્શનને લઇને તૈયારી ચાલી રહી છે, પરંતુ તારીખોને લઇને અંતિમ નિર્ણય અથોરિટીએ કરવાનો રહેશે. સ્વાસ્થ્ય અને ગૃહ મંત્રાલયની ગાઇડલાઇનને ધ્યાનમાં રાખીને એસઓપી લગભગ તૈયાર થઇ ગઇ છે. આ વર્ષે દર્શનની પ્રક્રિયામાં ફેરફાર થશે. ભીડને કાબૂ રાખવા અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવા માટે દર્શન પહેલાં ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. દર્શન માટે આવતાં યાત્રીઓનું કટરા ટ્રેક એન્ટ્રી પોઇન્ટ અને ભવન પાસે સ્ક્રિનિંગ થશે. માસ્ક પહેરવો જરૂરી. વિવિધ જગ્યાએ સેનેટાઇઝરની વ્યવસ્થા કરવામાં આવશે. ત્રણ વર્ષથી નાના બાળકો અને 65 વર્ષથી ઉપરના લોકોને દર્શન માટે મંજૂરી મળશે નહીં.