BSNLએ 24 વર્ષ બાદ બદલ્યો લોગો અને સ્લોગન, 7 નવી સેવાઓ શરૂ, વધુ સારી કનેક્ટિવિટી મળશે
BSNL એ તેની સેવા અપગ્રેડ કરવાની દિશામાં પહેલું પગલું ભર્યું છે. સરકારી ટેલિકોમ કંપની ટૂંક સમયમાં કોમર્શિયલ ધોરણે 4જી સેવા શરૂ કરવા જઈ રહી છે. તે જ સમયે, તે આવતા વર્ષે જૂનમાં 5G સેવાની પણ જાહેરાત કરી શકે છે. BSNL એ તાજેતરમાં આયોજિત ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ (IMC)માં તેની ઘણી આગામી સેવાઓનું પ્રદર્શન કર્યું હતું. કંપનીએ આજે દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં પોતાનો નવો લોગો અને સ્લોગન લોન્ચ કર્યો છે. આ ઉપરાંત, કંપનીએ 7 નવી સેવાઓ પણ રજૂ કરી છે.
BSNL નો નવો લોગો
BSNL એ 2000 પછી તેનો લોગો બદલ્યો છે. તેમજ હવે સ્લોગનમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. બીએસએનએલના લોગોમાં પહેલા વાદળી અને લાલ તીરો હતા, જે હવે સફેદ અને લીલા રંગમાં બદલાઈ ગયા છે. જ્યારે, પહેલાના લોગોમાં ગ્રે રંગનું વર્તુળ હતું, જે હવે સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. લોગોની ડિઝાઇન પહેલા જેવી જ રાખવામાં આવી છે. મધ્યમાં વર્તુળનો રંગ બદલીને કેસરી કરવામાં આવ્યો છે. તેમજ સર્કલમાં ભારતનો નકશો જોવા મળશે.
સરકારે BSNLના નવા લોગોમાં ભારતીય ધ્વજના ત્રણેય રંગોનો ઉપયોગ કર્યો છે. BSNL એ તેનું જૂનું સ્લોગન ‘કનેક્ટિંગ ઈન્ડિયા’ બદલીને ‘કનેક્ટિંગ ભારત’ કર્યું છે. કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને BSNLના વરિષ્ઠ અધિકારીઓએ કંપનીના નવા લોગોનું અનાવરણ કર્યું.
સ્પામ મુક્ત નેટવર્ક
BSNL એ AI દ્વારા સ્પામ કોલ્સ અને મેસેજને બ્લોક કરવા માટે ટેક્નોલોજી રજૂ કરી છે. હવે યૂઝર્સને ફ્રોડ કોલ્સ અને મેસેજ નેટવર્ક લેવલ પર જ બ્લોક કરી દેવામાં આવશે.
રાષ્ટ્રીય Wi-Fi રોમિંગ
સરકારી ટેલિકોમ કંપનીએ પ્રથમ FTTH આધારિત Wi-Fi રોમિંગ સેવા શરૂ કરી છે. BSNL વપરાશકર્તાઓને કોઈપણ વધારાના ચાર્જ વિના હોટ-સ્પોટ પર હાઈ સ્પીડ ઈન્ટરનેટનો ઉપયોગ કરવાની સુવિધા મળશે.
IFTV
BSNL એ પ્રથમ ફાઈબર આધારિત ઈન્ટ્રાનેટ લાઈવ ટીવી સેવા શરૂ કરી છે. FTH નેટવર્ક દ્વારા, વપરાશકર્તાઓ પે ટીવી પર 500 થી વધુ લાઈવ ટીવી ચેનલો જોઈ શકશે.
ATS કિઓસ્ક
ભારત સંચાર નિગમ લિમિટેડે સિમ કાર્ડ માટે કિઓસ્ક જેવી એટીએમની સુવિધા શરૂ કરી છે. આ કિઓસ્ક દેશના રેલવે સ્ટેશનો સહિત સાર્વજનિક સ્થળોએ સ્થાપિત કરવામાં આવશે, જેથી ગ્રાહકોને સિમ 24*7 ખરીદવા અને અપગ્રેડ કરવાની સુવિધા મળી શકે.
D2D સેવા
BSNL એ ડાયરેક્ટ-ટુ-ડિવાઈસ સેવાની પણ જાહેરાત કરી છે, જે મોબાઇલ નેટવર્કને સેટેલાઇટ સાથે સંકલિત કરીને વધુ સારી કનેક્ટિવિટી પ્રદાન કરશે.
ડિઝાસ્ટર રિસ્પોન્સ સર્વિસ
સરકારી ટેલિકોમ કંપનીએ પૂર અથવા અન્ય કુદરતી આફતો દરમિયાન કનેક્ટિવિટી માટે ઈમરજન્સી એન્ક્રિપ્ટેડ કોમ્યુનિકેશન ડિઝાસ્ટર રિસ્પોન્સ કોમ્યુનિકેશન સર્વિસ શરૂ કરી છે, જે સરકાર અને રાહત એજન્સીઓને અસરગ્રસ્ત વિસ્તારોમાં કનેક્ટિવિટી પૂરી પાડવામાં મદદ કરશે. આ ડ્રોન અથવા બલૂન આધારિત કોમ્યુનિકેશન સિસ્ટમ હશે.
ખાણો માટે ખાનગી 5G નેટવર્ક
C-DAC સાથે મળીને ભારત સંચાર નિગમ લિમિટેડે ખાણોમાં સુપરફાસ્ટ કનેક્ટિવિટી પૂરી પાડવા માટે 5G સેવા શરૂ કરી છે. આ સેવા AI અને IoT દ્વારા ભૂગર્ભ ખાણોમાં હાઇ સ્પીડ કવરેજ આપવાનું કામ કરશે.