Cyber crime: સરકારે ફરી એકવાર મોટી કાર્યવાહી કરીને લાખો મોબાઈલ નંબર બ્લોક કરી દીધા
Cyber crime: સાયબર ક્રાઈમ સામે મોટી કાર્યવાહી કરતા સરકારે 80 લાખ સિમ કાર્ડ બંધ કરી દીધા છે. દૂરસંચાર વિભાગના જણાવ્યા અનુસાર બંધ કરાયેલા સિમ કાર્ડ નકલી દસ્તાવેજોના આધારે જારી કરવામાં આવ્યા હતા. સરકારે AI ટૂલ્સનો ઉપયોગ કરીને આ નકલી સિમ કાર્ડ્સને બ્લોક કરી દીધા છે. આ ઉપરાંત સાયબર ક્રાઈમમાં સંડોવાયેલા 6.78 લાખ મોબાઈલ નંબર પણ બંધ કરવામાં આવ્યા છે.
78.33 લાખ મોબાઈલ નંબર સ્વિચ ઓફ
ટેલિકોમ રેગ્યુલેટર અને ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશને ફરી એકવાર વધી રહેલા સાયબર ક્રાઈમ સામે મોટી કાર્યવાહી કરી છે. રિપોર્ટ અનુસાર, સરકારે 78.33 લાખ મોબાઈલ નંબર બ્લોક કરી દીધા છે. આ મોબાઈલ નંબર નકલી દસ્તાવેજોના આધારે લોકોને આપવામાં આવ્યા હતા. ટેલિકોમ્યુનિકેશન વિભાગ દ્વારા લાગુ કરાયેલા નવા AI ટૂલ્સની મદદથી, આ નકલી નંબરોની ઓળખ કરવામાં આવી હતી અને તેમની સામે કાર્યવાહી કરવામાં આવી હતી. એટલું જ નહીં, સરકારે સાયબર ક્રાઈમમાં સામેલ 6.78 લાખ મોબાઈલ નંબરને પણ બ્લોક કરી દીધા છે.
ટેલિકોમ્યુનિકેશન વિભાગે તેના સત્તાવાર એક્સ હેન્ડલ દ્વારા આ માહિતી આપી છે. દરમિયાન, એક કાર્યક્રમમાં બોલતી વખતે, કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે ગૃહ મંત્રાલયના સહયોગથી ટેલિકોમ્યુનિકેશન વિભાગે સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર 1930 જારી કર્યો છે. આ નંબર પર કરવામાં આવેલી ફરિયાદના આધારે સરકારે 10 લાખ લોકોના 3.5 હજાર કરોડ રૂપિયા બચાવ્યા છે.
ટ્રાઈની નવી પોલિસી
ટ્રાઈએ ઓગસ્ટમાં સાયબર ક્રાઈમને રોકવા માટે નવા નિયમો લાગુ કરવાની જાહેરાત કરી છે. ટેલિકોમ રેગ્યુલેટરે ફેક કોલ અને મેસેજને રોકવા માટે ટેલિકોમ ઓપરેટરોને નવી માર્ગદર્શિકા જારી કરી હતી, જે 1 ઓક્ટોબર, 2024થી લાગુ કરવામાં આવી હતી. આ ઉપરાંત 11 ડિસેમ્બર, 2024થી મેસેજ ટ્રેસીબિલિટીનો નિયમ પણ અમલમાં આવ્યો છે. આ રીતે યુઝર્સને ફેક ટેલીમાર્કેટિંગ કોલ અને મેસેજથી રાહત મળશે. આવા કોલ અને મેસેજ નેટવર્ક લેવલ પર જ બ્લોક થઈ જશે.
ઉપરાંત, નકલી સંદેશાઓને ટ્રૅક કરવા માટે મેસેજ ટ્રેસેબિલિટી નિયમ લાગુ કરવામાં આવ્યો છે, જેમાં ટેલિકોમ ઓપરેટરો તેના મૂળ નંબર પરથી કોઈપણ સંદેશની સાંકળને સરળતાથી ટ્રેક કરી શકશે. તાજેતરમાં, સરકારે ઘણા આંતરરાષ્ટ્રીય વોટ્સએપ નંબરો પણ બ્લોક કર્યા છે, જેનો ઉપયોગ નાણાકીય છેતરપિંડી અને ડિજિટલ ધરપકડ માટે કરવામાં આવી રહ્યો હતો.