Cyber fraud: સિમ કાર્ડ પર સરકારની મોટી કાર્યવાહી, 6.69 લાખ મોબાઈલ નંબર બ્લોક, જાણો કારણ
Cyber fraud: જો તમારી પાસે મોબાઈલ કે સ્માર્ટફોન છે તો આ સમાચાર તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. તાજેતરના સમયમાં, સાયબર ફ્રોડ અને ઓનલાઈન સ્કેમના કિસ્સાઓ ઝડપથી વધી રહ્યા છે, જેમાં સાયબર ગુનેગારો નવી પદ્ધતિઓ અપનાવીને લોકોને છેતરવાનો પ્રયાસ કરી રહ્યા છે. દરમિયાન, સરકાર સાયબર ફ્રોડના મામલાઓને રોકવા માટે કડક પગલાં પણ લઈ રહી છે.
સરકારે તાજેતરમાં 15 નવેમ્બર, 2024 સુધી દેશભરમાં 6.69 લાખ સિમ કાર્ડ અને 1,32,000 IMEI નંબર બ્લોક કર્યા છે. આ માહિતી મહિલા અને બાળ વિકાસ રાજ્ય મંત્રી સાવિત્રી ઠાકુરે રાજ્યસભામાં આપી હતી. તેમણે જણાવ્યું હતું કે સાયબર ગુનાઓ અટકાવવા અને સાયબર ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા માટે સરકાર દ્વારા નિયમોનો કડક અમલ કરવામાં આવી રહ્યો છે.
વધુમાં, કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ પર 9.94 લાખ ફરિયાદોનું નિરાકરણ કરીને 3,431 કરોડ રૂપિયાથી વધુની બચત કરવામાં આવી છે. તેમણે કહ્યું કે સરકાર નકલી કોલ રોકવા માટે ટેલિકોમ કંપનીઓ સાથે પણ કામ કરી રહી છે. ઘણા કોલ જે ભારતમાંથી હોવાનું જણાય છે તે વાસ્તવમાં આંતરરાષ્ટ્રીય કોલ્સ છે જેને બ્લોક કરવામાં આવી રહ્યા છે.
સાયટ્રેન દ્વારા તાલીમ આપવામાં આવી રહી છે
સાયબર ગુનાઓને રોકવા માટે ગૃહ મંત્રાલયે સાયટ્રેન નામનું ઓનલાઈન પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે. આ પ્લેટફોર્મ પોલીસ અને ન્યાયિક અધિકારીઓને સાયબર ગુનાની તપાસ અને ફોરેન્સિકમાં જરૂરી કૌશલ્યો શીખવવા માટે કામ કરી રહ્યું છે. અત્યાર સુધીમાં 98,698થી વધુ પોલીસ અધિકારીઓને આ તાલીમમાં સામેલ કરવામાં આવ્યા છે.
સરકારના આ પ્રયાસથી સાયબર ગુનેગારોને કાબૂમાં લેવામાં અને લોકોને સુરક્ષા પૂરી પાડવામાં મદદ મળશે.