ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટી GPCCની નવી ટીમની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે ત્યારે સુરતમાંથી GPCCમાં સામેલ થવા માટે દોઢ ડઝન જેટલા મૂરતિયાઓ થનગની રહ્યા છે.
કોંગ્રેસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે કોંગ્રેસના સંગઠનમાં ફેરફારો આવી રહ્યા છે અને 200થી 250નું જમ્બો લિસ્ટ સાથે હોદ્દેદારોની યાદી તૈયાર કરી દેવામાં આવી છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાંથી GPCCમાં કોણ આવશે એની સતત ચર્ચા ચાલી રહી છે. અનેક જૂથોમાં વહેંચાયેલી કોંગ્રેસમાં આ વખતે અમિત ચાવડા જૂથવાદ નહીં પણ સંગઠનના ક્રાઈટેરીયા પર વર્ક કરી રહ્યા છે છતાં પણ મામા-માસીવાળું ચાલી રહ્યું હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસના વર્કરો અને આગેવાનો દ્વારા સોશિયલ મીડિયા પર અમિત ચાવડા વિરુદ્વ ચાલી રહેલા પ્રચારમાં પણ કોંગ્રેસના મોટા માથાઓનો પડદા પાછળથી દોરીસંચાર હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
સુરતમાં તોડબાજી કરતા કેટલાક કાર્યકરો અને આગેવાનો વિરુદ્વ ફરીયાદોનો ખડકલો કરવામાં આવ્યો છે. કોંગ્રેસમાંથી હોદ્દો લઈ આરટીઆઈના નામે ગેરકાયદે બાંધકામથી લઈ નાના-મોટા કામોમાં લોકો પાસેથી નાણા ખંખેરી રહેલા તત્વોને GPCCમાં સ્થાન આપવા સામે વિરોધનો વંટોળ છે, છતાં પણ યેન કેન રીતે GPCCમાં અને સુરત શહેર સમિતિમાં સ્થાન હાંસલ કરવા માટે આવા તત્વો ભલામણો કરાવી રહ્યા છે.
કોંગ્રેસ વર્તુળો મુજબ પ્રદેશ કોંગ્રેસ આ વખતે સુરતમાંથી લધુમતિને સ્થાન આપશે કે કેમ તે પણ એક પ્રશ્ન છે. કોંગ્રેસના લઘુમતિઓમાં ભારે ડખા છે. એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ છે. માત્ર કદીર પીરઝાદા જૂથમાંથી ચારથી પાંચ નામ છે તો જવાહર ઉપાધ્યાય જૂથમાંથી પણ ત્રણેક નામ છે. જ્યારે કામરાન ઉસ્માની હવે પોતાના મર્હુમ ભાઈ રીઝવાન ઉસ્માનીના નામ અને કામની ક્રેડીટ સાથે ભત્રીજાને સાથે રાખી કોંગ્રેસમાં પગપેસારો કરવાના પ્રયાસમાં છે. અન્ય ચર્ચા પ્રમાણે સુરતમાંથી લઘુમતિના નવું નામ પણ આવી શકે છે. આ નવું નામ કોનું છે તે અંગે કોંગ્રેસ વર્તુળો ફોડ પાડી રહ્યા નથી.
સુરત શહેરમાં લઘુમતિ સમાજમાંથી કોને સ્થાન મળશે? હાલ સુરતમાંથી ઈકબાલ મલિક(આમંત્રિત) ફિરોઝ મલેક(મંત્રી, પણ વિધાનસભાની ચૂંટણી વખતે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું અને હાલમાં એફઆઈઆર થતાં આગોતરા જામીન મેળવ્યા છે) છે. બન્નેની રિપીટ થવાની શક્યતા જોવા મળી રહી છે. બીજી તરફ સુરતમાંથી નવા ચહેરાઓને સ્થાન આપવા માટે રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆતમાં પહેલું નામ કામરાન ઉસ્માનીનું આવે છે. કામરાન ઉસ્માનીનું નામ GPCCમાં નિશ્ચિત મનાય છે, તો બીજી તરફ સુરત મહાનગર પાલિકાના માજી સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન શૌકત મુન્શીનું નામ પણ ચાલી રહ્યું છે. આ સિવાય રાષ્ટ્રીય યુવક કોંગ્રેસના ક્વોટામાંથી અસલમ સાયકલવાળાનું નામ પણ છે. આ સિવાયના નામોમાં નઈમ રિફાઈ, અર્શિત જરીવાલા વગેરે પણ છે. આમ લધુમતિમાંથી જ દોઢ ડઝન નામ GPCCના હોદ્દા માટે ચર્ચાઈ રહ્યા છે. હવે કોની લોટરી લાગે છે તે જોવાનું રહે છે.