ભાજપના ઓલ ઈન્ડીયા માઈનોરીટી સેલના મેમ્બર અને સુરતના બિઝનેસમેન કાદર વાડીવાળાને અંધારી આલમ તરફથી ધમકીભર્યો મેસેજ મળતા સુરત ડીસીબી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. આ ધમકી દાઉદના ગેંગના ગેંગસ્ટર એજાઝ લાકડાવાળા તરફથી મેસેજ મારફત મળી હોવાની ફરીયાદ કાદર વાડીવાળાએ પોલીસને કરી છે. ફરીયાદમાં કાદર વાડીવાળા ઉપરાંત તેમના પુત્ર અયાઝ વાડીવાળાને પણ મેસેજ કરી ધમકી આપવામાં આવી છે.
ફરીયાદ પ્રમાણે સુરતના ચોકબજાર, ચારાગલી વિસ્તારમાં રહેતા અને ત્યાં જ સીએનજી પંપનું સંચાલન કરતા કાદર વાડીવાળાને 25મી ઓક્ટોબરે તેમના મોબાઈલ નંબર 98251-11786 પર વિદેશી નંબર 13237293643 પરથી ફોન આવ્યો હતો. વાડીવાળાએ અજાણ્યો અને વિદેશી નંબર હોવાથી તેને ઉંચક્યો ન હતો. ત્યાર બાદ 28મીનાં દિવસે ફરી આજ નંબર પરથી ફોન આવ્ય હતો. આ ફોન પણ તેમણે ઉંચક્યો ન હતો. પણ ગતરોજ આ નંબર પરથી મેસેજ આવ્યો હતો કે ફોન ઉંચકતો નથી, તને અને તારા છોકરાને ઉપાડી લેવામાં આવશે.
વારંવાર ફોન અને આખરે મેસેજથી શરૂ થયેલા ધમકીના સિલસિલાના પગલે કાદર વાડીવાળાએ પોલીસને ફરીયાદ કરી હતી અને તપાસ કરવાની માંગ કરી હતી. એવું મનાય છે કે આ ધમકી મુંબઈના ગેંગસ્ટર અયાઝ લાકડાવાળા તરફથી આપવામાં આવી રહી છે. અયાઝ લાકડાવાળો દાઉદ ગેંગનો હોવાનું મનાય છે.
કાદર વાડીવાળાને ધમકી શા માટે આપવામાં આવી છે તે અંગે કાદર વાડીવાળા પોતે સાવ અજાણ છે. તેમનો હાલ કોઈ વિવાદ પણ ચાલી રહ્યો નથી. પોલીસને શંકા છે કે ધમકીનો મેસેજ ડરાવીને ખંડણી માંગવાનો હોઈ શકે છે.