સુરતની મહિલાની લાશ રાજસ્થાનના ઝાલાવડ ખાતેથી મળી આવતા ચકચાર જાગી છે. મહિલાની ઓળખ 38 વર્ષીય રચના મોદી તરીકે થઈ છે. સુરતના પોશ વિસ્તાર VIP રોડ ખાતે રચના મોદી રહેતી હોવાનું તેના આધાર કાર્ડના આધારે માલૂમ પડ્યું છે. રચનાનું આખું નામ રચના જયરાજ મોદી છે અને તે બી-903, શગુન વિલા એપાર્ટમેન્ટ, વીઆઈપી રોડ, અલથાણ, સુરત ખાતે રહેતી હોવાનું બહાર આવ્યું છે.
વિગતો મુજબ આ મર્ડર મિસ્ટ્ર પરથી ઉંચકવાનો બાકી છે. રાજસ્થાન પોલીસે સુરત પોલીસને ઘટના અંગે જાણ કરતા સગા-સંબંધીઓ સુધી ખબર પહોંચી હતી અને રચનાની ડેથ બોડીને લેવા માટે તેઓ રવાના થયા હોવાની માહિતી મળી રહી છે.
માહિતી પ્રમાણે રચનાની લાશ રાજસ્થાનના ઝાલાવડ ખાતે મંડાવર હાઈવે નજીક મળી આવી હતી. રાજસ્થાન પોલીસે તપાસ કરતા લાશ પાસેથી આધાર કાર્ડ મળી આવ્યું હતું પણ મોબાઈલ ફોન કે અન્ય વસ્તુ મળી આવી ન હતી. રચનાના શરીરે ઘાનાં નિશાન મળી આવ્યા છે. ગળા પર તિક્ષ્ણ હથિયારના નિશાન છે. લાશથી થોડે દુર સુરત પાસીંગની કાર પણ મળી આવી છે. કારમાંથી મળેલા આધાર કાર્ડના આધારે રચનાની ઓળખ થઈ શકી છે.
પોલીસ સૂત્રો મુજબ રચનાની હત્યા કેવી રીતે કરવામાં આવી અને તે રાજસ્થાન શા માટે ગઈ હતી અને કોની સાથે ગઈ હતી તેની પોલીસ તપાસ કરી રહી છે. રચનાની હત્યાની ફરતે હાલ રહસ્યના જાળા વિંટલાયેલા છે. હાઈપ્રોફાઈલ મર્ડર મિસ્ટ્રી હોવાનું પોલીસ સૂત્રો જણાવી રહ્યા છે.