સુરતઃ તાજેતરમાં સુરતમાં બાઇક ઉપર સ્ટંટ કરવાના વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જે પૈકી એક વીડિયો એક કલપનો પણ હતો. આ કલપે ચાલું બાઈક ઉપર સ્ટંટની સાથે જ રોમાન્સ પણ કર્યો હતો. જોકે પોલીસ પાસે આ વીડિયો આવતા તાત્કાલિક અસરથી કાર્યવાહી કરીને તેમની ધરપકડ કરી હતી. ધરપકડ કર્યાના 24 કલાકમાં જ યુવકે પોતાની ફિયાન્સી સાથે એક વીડિયોમાં બંને હાથજોડીને માફી માંગી હતી.
ઉલ્લેખનીય છે કે સુરત શહેરના રાંદેર બસ સ્ટોપ પાસે શેખ કાલા સ્ટ્રીટમાં રહેતો 20 વર્ષીય અબ્દુલ રહેમાન મોહંમદ ઈમ્તિયાઝ મલેક તા. 5મી માર્ચના રોજ સવારે તેની ફિયાન્સી સાથે કેટીએમ બાઇક પર નીકળ્યો હતો. નંબર વગરની સ્પોર્ટ્સ બાઈક પર પાછળ બેઠેલી યુવતી અચાનક ચાલુ બાઇકે આગળ આવી જાય છે અને ફિલ્મી સ્ટાઈલમાં કોલેજીયન યુવક સાથે રોમાન્સ કરવા લાગે છે. ‘તેરી મહોબ્બત મેં’ ગીત સાથે આ વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાઇરલ થઈ રહ્યો છે. વધુમાં પોલીસે જણાવ્યું કે, પકડાયેલા અબ્દુલ રહેમાન મલેક એસ.વાય.બીકોમમાં અભ્યાસ કરે છે. પાછળ બેઠેલી યુવતી તેની ફિયાન્સી છે.
પાલ વિસ્તારમાં સ્ટન્ટ કરનાર રહેમાન અને તેની ફિયાન્સીએ પોલીસે ધરપકડ કર્યા બાદ માફી માગી હતી. રહમાને કહ્યું કે, હેલમેટ અને માસ્ક વગર અમે જોખમી સ્ટન્ટ કર્યા હતા. જે ખરેખર ન કરવા જોઈએ. જોખમી સ્ટન્ટમાં કંઈ પણ થઈ શકે છે. પોલીસે મારી ધરપકડ કરતાં મને કાયદો તોડ્યો હોવાની જાણ થઈ હતી. જેથી મેં કાયદાનું પાલન કરતાં તમામ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી છે. હું તમામને બે હાથ જોડીનું કહું છે કે, મે કરેલી ભૂલ તમે ન કરશો. સ્ટન્ટ તો બીલકુલ ન કરશો. રહેમાનની ફિયાન્સીએ પણ કહ્યું હતું કે, આવું કોઈએ ન કરવું જોઈએ. અમે તમામને કહીએ છીએ કે સેફ રહો.
સુરતમાં જોખમી રીતે બાઈક રાઈડ કરીને સ્ટન્ટ કરતાં યુવકોના વીડિયો થોડા દિવસોથી વાઈરલ થઈ રહ્યાં છે.જીલાની બ્રિજ પર સ્ટન્ટ કરતાં યુવકના વીડિયો બાદ બારડોલીથી સ્ટન્ટ કરવા સુરત આવતી યુવતી સંજના ઉર્ફે પ્રન્સી પ્રસાદનો વીડિયો સામે આવ્યો હતો.જેના પર પોલીસે કાર્યવાહી પણ કરી હતી. ત્યારે ગુરૂવારે વધુ એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં યુવક યુવતી ફિલ્મી સ્ટાઈલમાં સ્ટન્ટ કરતાં હતા. પાછળ બેઠેલી યુવતી ચાલુ બાઈકે આગળ આવીને યુવક સાથે રોમાન્સ કરતી હોવાનો વીડિયો વાઈરલ થયો હતો. ત્યારબાદ પોલીસે કાર્યવાહી કરી યુવકની ધરપકડ કરી હતી.