ગુજરાતની સૌથી વધુ સમૃદ્વ ગણાતી સુરત મહાનગરપાલિકા આર્થિક રીતે પડી ભાંગી રહી હોવાના અણસાર મળી રહ્યા છે. સુરત મહાનગરપાલિકાની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી ડ્રેનેજના કેપિટલ પ્રોજેક્ટ માટે દેવું કરવાની તૈયારી ભાજપ શાસકો અને વહીવટી તંત્ર દ્વારા શરૂ કરવામાંં આવી છે.
અનેક કાર્યક્રમોમાં ભારે દેખાડો અને લખલૂંટ ખર્ચ કરવામાં આવે છે ત્યારે ડ્રેનેજ પ્રોજેક્ટ્સને પૂર્ણ કરવા માટે સુરત મહાનગરપાલિકા પાસે રૂપિયાની અછત સર્જાઈ છે. કોર્પોરેશન દ્વારા સુરતમાં ડ્રેનેજના પાંચ પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. આ પાંચેય પ્રોજેક્ટને પૂર્ણ કરવા માટે રૂપિયાની અછત સર્જાતા માર્કેટમાંથી રૂપિયા લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અંદાજે 200 કરોડ રૂપિયાના બોન્ડ લેવામાં આવશે. આ નિર્ણય કરીને સુરત મહાનગરપાલિકાના ભાજપ શાસકો અને વહીવટી તંત્રે રાજ્ય સરકારની મંજુરી લેવા માટેની કવાયત હાથ ધરી છે.
વિગતો મુજબ કેન્દ્ર અને રાજ્ય સરકારના શહેરી વિકાસ ખાતા દ્વારા ભારતમાં યુએલબી માટે સ્કીમ લાગુ કરવામાં આવી છે અને તેના માટે 100 કરોડની લોન પર રિબેટ આપવામાં આવે છે. હાલ કોર્પોરેશનના ડ્રેનેજના 497 કરોડના પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે જેમાં કોર્પેોરેશનને 313 કરોડ ખર્ચવાના આવી રહ્યા છે. યુએલબી સ્કીમમાં 70 ટકા ખર્ચના રૂપિયા આપવામાં આવે છે એટલે કે કોર્પોરેશનને 313 કરોડ ખર્ચવાના આવે છે. 200 કરોડની લોન અને બાકીના 113 કરોડ રૂપિયા પાલિકાની તિજોરોમાંથી ખર્ચવામાં આવશે.
વાત ભલે લોન અને બોન્ડની હોય પણ હકીકત એ છે કે સુરત મહાનગરાપાલિકા આર્થિક રીતે ભીંસ હોવાનું જણાઈ આવી રહ્યું છે. જકાત નાબુદ થયા બાદ પાલિકાની તિજોરી પર ભારે ફટકો પડ્યો છે. કેપિટલ પ્રોજેક્ટથી લઈને કાર્પેટીંગ-રિકાર્પેટીંગના કામો પણ રૂપિયાના અભાવના કારણે ઘોંચમાં પડ્યા છે. સુરત શહેરના રસ્તાઓ આની ચાડી ખાઈ રહ્યા છે અને ગોકળગાય ગતિએ ચાલી રહેલા કેપિટલ પ્રોજેક્ટસ પણ આર્થિક સંકડામણને ઉજાગર કરી રહ્યા છે.