સુરતઃ દિવસે ને દિવસે પરિણીતા ઉપર અત્યાચારના કિસ્સાઓ વધતા જાય છે. સાસરીના લોકો કોઈના કોઈ બહાના હેઠળ પરિણીતાઓ ઉપર ત્રાસ ગુજરતા હોય છે. આવો જ એક કિસ્સો સુરતમાં બન્યો હતો. ઘરમાં રહેલી મહિલા સાથે જેઠે અશ્લીલ હરકત કરી હતી. જેના પગલે પરિણીતાએ પોલીસમાં ફરિયાદ આપી હતી.
મળતી માહિતી પ્રમાણે સુરતના રામપુરા વિસ્તારની પરિણીતાને દહેજ માટે શારિરીક-માનસિક ત્રાસ આપવા ઉપરાંત એકલતાનો લાભ લઇ જેઠ દ્વારા અશ્લીલ હરકત કરતા પરિણીતાએ લાલગેટ પોલીસ સ્ટેશનમાં પતિ સહિતના સાસરીયા વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી છે. લિંબાયત-મીઠીખાડી વિસ્તારની ઝરીન (ઉ.વ. 21 નામ બદલ્યું છે)ના લગ્ન નવેમ્બર 2016માં રામપુરા વિસ્તારમાં રહેતા વાહીદ અહેમદ પટેલ સાથે થયા હતા.
લગ્નના બે માસ સુધી ઝરીનને સારી રીતે રાખ્યા બાદ સાસુ જમીલા અહેમદ પટેલ, નણંદ મુમતાઝ અહેમદ પટેલ અને સસરા અહેમદ અલી પટેલે ઘરના કામકાજ બાબતમાં મ્હેણાં ટોણાં મારવાનું શરૂ કર્યુ હતું. ઉપરાંત જમવાનું બનાવતા આવડતું નથી એમ કહી અપશબ્દો ઉચ્ચારી દહેજમાં ટુ વ્હીલરની માંગણી કરી હતી.
દરમિયાનમાં ઝરીન ઘરે એકલી હતી ત્યારે જેઠ હબીબ અહેમદ પટેલે બાથમાં લઇ અશ્લીલ હરકતો કરી હતી. પરંતુ પોતાના લગ્નજીવનમાં ભંગાણ નહી પડે તે માટે ઝરીનએ જે તે વખતે કોઇને કંઇ કહ્યું ન હતું.
દોઢ વર્ષ અગાઉ ઝરીનની તબિયત બગડતા માતા અને બહેન મળવા આવ્યા હતા. પરંતુ સાસુ, સસરા અને નણંદે તેમની સાથે ઝઘડો કરી ઝરીનને ઘરમાંથી કાઢી મુકતી હતી. જેને પગલે ગત રોજ ઝરીનએ પતિ સહિતના સાસરીયા વિરૂધ્ધ લાલગેટ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.