ગુજરાત સરકારે ખેડુતોના પાક માટે ટેકાના ભાવ જાહેર કરતા ખેડુતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ખેડુતોની નારાજગી બહાર આવી રહી છે. સુરતના ખેડુતોએ ચોખા-ડાંગરના ટેકાના ભાવ અંગે ભારે નારાજગી વ્યક્ત કરી છે.
ગુજરાત સરકારે ભારે વિવાદ બાદ ટેકાના ભાવ જાહેર કર્યા પણ તેમાં મૂળભૂત હકીકતને ધ્યાને લીધા વિના જ ભાવ જાહેર કરતા ખેડુતોમાં મોટાપાયા પર રોષ ભભૂકી રહ્યો છે. તો આવામાં સુરત જિલ્લાના ખેડુતોએ સરકારને પાક નહીં વેચવાનો નિર્ણય કર્યો છે.
સુરતના પાલ ગામના ખેડુત જયેશ પટેલે જણાવ્યું કે સરકારે ચોખા અને ડાંગરના ભાવ એક મણના 350 રૂપિયા જાહેર કર્યા છે જ્યારે માર્કેટ ઊંચું છે. સરકારે જાહેર કરેલા ભાવની સામે સહકારી મંડળીઓએ 441 રૂપિયાનો ભાવ જાહેર કર્યો છે. તો ખેડુતોને જ્યાં ફાયદો થતો હોય ત્યાં પાક વેચવામાં આવી રહ્યો છે. ખેડુતોએ સરકારના બદલે સહકારી મંડળીઓને પાક વેચવાનો અભિગમ અપનાવ્યો છે.
તેમણે કહ્યું કે 2014માં સ્વામી નાથન કમિટીએ પાક ઉત્પાદનનો ખર્ચ, ખેતરનો ખર્ચ અને સહિતને ભેગા કરીને ખેડુતોને ભાવ આપવાની ભલામણ કરી હતી. સરકારે જાહેર કરેલા ભાવથી ખેડુતોને પડતર કિંમત પણ મળી રહી નથી. ભાવ નક્કી કરવા ગુજરાત સરકારના કોઈ ઠેકાણા નથી. સરકારની કોઈ નીતિ દેખાતી નથી. વારંવારની રજૂઆત કરી હોવા છતાં ઓછા ભાવ નક્કી કરાતા ખેડુતોએ સહકારી મંડળીઓને પાક વેચવાનો નિર્ણય કર્યો છે. આના કારણે સહકારી મંડળીઓના ગોડાઉન છલકાઈ ગયા છે.
વિગતો મુજબ સહકારી મંડળીઓમાં સારો ઊંચો ભાવ આપવામાં આવી રહ્યો હોવાથી સુરતના જહાંગીરપુરા ખાતે આવેલી જિનિંગ મીલમાં ચોખા અને ડાંગરની અઢળક આવક થઈ છે. જિનિંગ મીલ સહિતની સહકારી મંડળીઓમાં અધધ 8 મણ ચોખા-ડાંગર ગુણીની આવક થઈ છે. જ્યારે માત્ર જહાંગીરપુરા જિનિંગ મીલની વાત કરીએ તો અહીંયા ચાર લાખ ગુણીની આવક થઈ છે.
ગુજરાત સરકાર માટે આ એક મોટો ફટકો છે. ખેડુતોનો ગુજરાતની ભાજપ સરકાર પરથી વિશ્વાસ ઉઠી રહ્યો હોવાના સીધા સંકેત મળી રહ્યા છે. લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે ગુજરાત સરકારની નીતિઓનો પડઘો ચૂંટણીમાં પડશે એવું જણાઈ આવી રહ્યું છે.