સુરત કોંગ્રેસના મહિલા કોર્પોરેટર કપિલા પટેલે આક્ષેપ લગાવી કહ્યું કે કોંગ્રેસના દંડક ઇકબાલ બેલીમ અને કોર્પોરેટર અસલમ સાયકલ વાળા કોમવાદી માનસિકતા ધરાવે છે. પરંતુ સુરત મહાનગર પાલિકાના કોંગ્રેસના દંડક ઈકબાલ બેલીમે તમામ આક્ષેપોને ફગાવ્યા હતા અને કપિલાબેનને ગેરસમજ થઈ હોવાનું જણાવ્યું હતું.
કપિલા પટેલે કહ્યું છે કે મુસ્લિમ કોર્પોરેટરની મુસ્લિમ સાથે બબાલ થાય ત્યારે તેમને નોટીસ આપવામાં આવતી નથી જયારે મહિલા કોર્પોરેટરને તાત્કાલીક નોટિસ આપવામાં આવે છે. દંડક ઇકબાલ બેલીમે કપિલા પટેલને નોટિસ ફટકારી જ્યારે અસલમ સાયકલવાળાનો બચાવ કરતા સુરત કોંગ્રેસમાં ભારે ભવાડો ચાલી રહ્યો હોવાનું બહાર આવ્યું છે. તાજેતરમાં અસલમ સાયકલવાળા અને ફિરોઝખાન પઠાણ વચ્ચે બબાલ થઈ હતી આ અંગે શિસ્તભંગની નોટિસ આપવામાં આવી ન હતી પણ જ્યારે કોંગ્રેસ મહિલા કોર્પોરેટરને નજીવા ઝઘડાને લઈ નોટીસ આપવામાં આવી હતી.
કોંગ્રેસના કોર્પોરેટર અસલમ સાયકલવાળા, ફિરોઝખાન પઠાણ અને ઈકબાક બેલીમની આ પ્રકારની વૃત્તિથી કોંગ્રેસ પાર્ટીને લાંછન લાગે છે અને છબી ખરડાઈ રહી છે. મુસ્લિમ દંડક ઇકબાલ બેલીમ મુસ્લિમોની ફેવર કરે છે અને હિન્દુઓને નોટિસ ફટકારતા હોવાનું તેમણે જણાવ્યું છે. આ ઉપરાંત કોંગ્રેસના કોર્પોરેટર-દંડક ઇકબાલ બેલીમ જાતિવાદી રાજકારણ રમતા હોવાનો આરોપ મૂક્યો છે.
આ અંગે ઈકબાલ બેલીમનો સંપર્ક સાધવામાં આવતા તેમણે કહ્યું કે કપિલાબેન પટેલ અને ફિરોઝ પઠાણ વચ્ચે ઉઘરાણીને લઈ વિવાદ થયો હતો અને તે વખતે પ્રમુખ પદે હસમુખ દેસાઈ હતા અને પ્રમુખની સૂચનાથી કપિલાબેનને નોટીસ આપવામાં આવી હતી પરંતુ તાજેતરમાં ફિરોઝ પઠાણ અને અસલમ સાયકલવાલા વચ્ચે બબાલ થઈ હતી અને મીડિયામાં પણ મામલો આવ્યો હતો પરંતુ વર્તમાન પ્રમુખ બાબુ રાયકા દ્વારા મને નોટીસ આપવા અંગે કોઈ સૂચના મળી નથી. આમાં કોઈ જાતિવાદી કે કોમવાદી રાજકારણનો પ્રશ્ન જ નથી. કપિલાબેનને ગેરસમજ થઈ રહી છે. દંડક તરીકે પ્રમુખની સૂચનાનું પાલન કર્યું છે.