સુરત:સુરત મહાનગરપાલિકાના મ્યુ.કમિશનરશ્રી બંછાનિધિ પાનીએ આજ તા.૧૫ જુનના રોજ કોરોના બાબતે અદ્યતન વિગતો આપતાં જણાવ્યું હતું કે, દેશભરમાં કોરોના વાઇરસને કાબુ કરવામાં સુરત શહેરનો રીકવરી રેટ જે ૬૯ ટકા થયો છે. આજે ૬૫ વધુ દર્દીઓ સ્વસ્થ થયા હોવાથી ડિસ્ચાર્જ કરાયા છે. કુલ ૧૮૪૦ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. શહેરમાં ગઈકાલે પોઝિટીવ કેસોની સંખ્યા ૨૬૧૪ હતી, જેમાં ૬૪ કેસોનો વધારો થવાથી આજે કુલ ૨૬૭૮ કેસો થયા છે. કુલ ૧૦૭ દર્દીના મૃત્યુ નોંધાયા છે. ૪ ટકા મૃત્યુ દર છે.
પોઝિટીવ કેસો પૈકી સૌથી વધુ સુરતના કતારગામ ઝોનમાંથી આજે કુલ ૨૪ કેસો મળી આવ્યા છે. જેમાંથી ૧૧ કેસો હિરાના એકમો સાથે સંકળાયેલા છે. હાલ નોંધાતા કેસોમાં ૩૨ ટકા કોરોના પોઝીટીવ કેસો ડાયમંડ સાથે જોડાયેલા છે. ડાયમંડમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન થતુ ન હોય જે ચિંતાજનક છે.
મ્યુ. કમિશનરશ્રીએ વધુમાં જણાવ્યું કે, કોઈ મહત્વનુ કામ ન હોય તો મહારાષ્ટ્ર જવાનુ ટાળવુ કેમ કે ત્યાથી આવેલા લોકોમાં સૌથી વધુ કેસો આવે છે. કોરોના સામે લડવા માટેનું સૌથી કારગર શસ્ત્ર હોય તો તે માસ્ક છે. તેથી દરેક જગ્યાએ માસ્કનું પ્રચલન વધે તે જરૂરી છે.
આજની સ્થિતિએ ૯૫૧૦ લોકો હોમ ક્વોરેન્ટાઇન અને વિકેન્દ્રિત ક્વોરેન્ટાઇન સેન્ટરમાં ૨૨૪ લોકો છે. સમરસ ખાતે કોવિડ કેર સેન્ટરમાં ૧૪૪ લોકો છે. ૧૯૬૭ જેટલી ટીમો ડોર ટુ ડોર સર્વેલન્સ માટે કાર્યરત છે. સ્લમ વિસ્તારોમાં કુલ ૬૭ ફિવર ક્લિનીક ચાલુ કરવામાં આવ્યા છે. મોબાઈલ ફિવર ક્લિનીકમાં સૌથી વધુ લોકો જાય છે તેથી તેની સંખ્યા વધારવામાં આવી છે.
૬૦ જેટલી રિક્ષા દ્વારા કોવિડ અંગે જાગૃત્તિ લાવવામાં આવી રહી છે. આગામી બે મહિના આપણા માટે ખુબ જ ક્રિટીકલ છે. પ્રાઈવેટ હોસ્પિટલમાં ૧૪૭ અને ગવર્મેન્ટ હોસ્પિટલમાં ૫૩૭ લોકો સારવાર લઈ રહ્યાં છે. ઘરે રહીને ૪૦ દર્દીઓ સારવાર લે છે.
આજે ૮૦ હજાર કરતા વધુ લોકોને હોમિયોપેથીક દવાનું વિતરણ કરવામાં આવ્યું છે. લોકો સ્વ કાળજી લેશે તો કોવિડમાંથી જરૂર બચી શકાય છે. કોવિડ હોસ્પિટલમાં સારવાર કરી રહેલા કોરોના વોરિયર્સ ખુબ જ જટીલ પરિસ્થિતીમાં કામ કરે છે, તેથી આપણે પણ તમામ તકેદારી રાખીએ અને કોરોના વોરિયર બનીએ.