સુરતઃ કોરોના કાળ બાદ હજારો લોકો બેરોજગાર બની ગયા હતા. જોકે, કેટલા લોકો બેકારીના કારણે કંટાળીને આત્મહત્યા જેવા પગલાં પણ ભર્યા હતા. જોકે, સુરતમાં આત્મહત્યાની ઘટનાઓ રોજે રોજ બને છે. બેકારીએ વધુ એક યુવકનો ભોગ લીધો છે. સુરતના યુવાને પરિવારનું ભરણ પોષણ કરવામાં નિષ્ફળ રહેતા આપઘાત કર્યો છે.
મળતી માહિતી પ્રમાણે સુરતના નાના વરાછામાં શક્તિ વિજય સોસાયટીમાં રહેતો અમિત જયંતીલાલ હાથીવાલા સંચાખાતામાં નોકરી કરતો હતો. લોકડાઉન બાદ તેનું કામ બરાબર ચાલતું ન હતું જેના કારણે તેને નાણાંકીય તકલીફ પડતી હતી.
સતત પ્રયાસ બાદ પણ તેને નોકરી નહીં મળતા પરિવારની આર્થિક જરૂરિયાત અને ભરણ પોષણ કરવામાં તે નિષ્ફળ રહ્યો હતો. જેને લઈને તે સતત માનસિક તાણમાં ફરતો હતો. આ કારણે આવેશમાં આવી ગતરોજ આ યુવાને પોતાના ઘર નજીક આવેલ અમીદીપ શો રૂમ પાસે ઝેરી દવા પી ગયો હતો.
ત્યાંથી પસાર થતા કેટલાક લોકોને આ ઘટનાની જાણકારી મળતા લોકો એકત્ર થઇ ગયા હતા. તાત્કાલિક આ યુવાનના પરિવારને જાણકારી આપી આ યુવાને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો જ્યાં આ યુવાનું મોત થયું હતું. યુવાનના મોતને લઈને પરિવાર સાથે સમગ્ર વિસ્તારમાં શોક છવાયો છે.
ઘટનાની જાણકારી પરિવારે પોલીસને આપતા પોલીસ તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી જઈને આ મામલે ગુનો નોંધી પરિવારની પૂછપરછ કરી હતી. નોકરી નહીં મળવાને લઈને છેલ્લા કેટલાક સમયથી આ યુવાન માનસિક તાણમાં ફરતો હતો અને આવેશમાં આવીને આ પગલું ભર્યું હોવાનું પરિવારે જણાવ્યું હતું. પોલીસે આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.