સુરતઃ શહેરમાં આત્મહત્યાની ઘટનાઓ રોજે રોજ બનતી રહે છે ત્યારે વધુ એક ચોંકાવનારી આત્મહત્યાની ઘટના બની હતી. અહીં 24 વર્ષીય યુવતીની આત્મહત્યાથી આખો પરિવાર સ્તબ્ધ બની ગયો હતો. કારણ કે યુવતીએ પોતાની સગાઈના પાંચ દિવસ પહેલા જ આત્મહત્યા કરી લીધી હતી. જોકે, પાંચ દિવસ પહેલા આત્મહત્યા કરવાનું શું કારણ હોઈ શકે તે અંગે વધુ ચોખવટ પોલીસ તપાસમાં જ બહાર આવશે.
મૂળ મધ્ય પ્રદેશના ગિરવરસિંહ પરપાલસિંહ ભદોરીયા એક કારના શોરૂમ ખાતે વૉચમેન તરીકે નોકરી કરે છે. તેમને સંતાનમાં 24 વર્ષની દીકરી હતી જેની સગાઈ નક્કી કરી હતી. બુધવારે ગિરવરસિંહ પોતાના નિત્યક્રમ પ્રમાણે સવારે ઉઠીને નોકરી પર ચાલ્યા ગયા હતા. જે બાદમાં તેમના પત્ની મંદિર જવાની તૈયારી કરતા હતા.
માતાને મંદિર જવાનું હોવાથી તેણીએ પોતાની દીકરીને ઉઠવા માટેની બૂમ પાડી હતી. જોકે, અનેક વખત કહેવા છતાં અંજલીએ દરવાજો ખોલ્યો ન હતો. જે બાદમાં તેમને કંઈક અજુગતુ બન્યાની શંકા પડી હતી.
આ દરમિયાન યુવતીના ભાઈઓ પણ જાગી ગયા હતા. તેમણે બારીમાંથી જોયું તો અંજલી પંખા સાથે લટકી રહી હતી. જે બાદમાં તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. આ મામલે પોલીસે અકસ્માતે મોતને ગુનો નોંધીને વધારે તપાસ શરૂ કરી છે. અંજલીએ કયા કારણથી આપઘાત કરી લીધો છે તે જાણવા મળ્યું નથી.
મળતી માહિતી પ્રમાણે આગામી 15મી માર્ચના રોજ અંજલીની અમદાવાદના યુવક સાથે સગાઈ નક્કી કરવામાં આવી હતી. અમદાવાદનો પરિવાર અંજલીના ઘરે આવ્યો હતો અને 15મી તારીખે સગાઈ નક્કી કરી હતી. આ માટેની તમામ તૈયારી પણ કરી દેવામાં આવી હતી.
બીજી તરફ સગાઈના પાંચ દિવસ પહેલા જ અંજલીએ આપઘાત કરી લેતા બંને પક્ષના લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. અંજલીએ કયા કારણોસર આપઘાત કરી લીધો છે તે વાત જાણવા મળી નથી. આ મામલે પોલીસ તપાસ બાદ જ કોઈ કારણ સામે આવશે.