સુરતઃ સુરત શહેરમાં એક ચોંકાવનારી હત્યાની ઘટના સામે આવી છે. અહીં પ્રેમિકાને પામવા માટે બનેવીએ સાળાની હત્યા કરી નાંખી હતી. એટલું જ નહીં નાના સાળાની ગર્ભવતી પત્ની સહિત ચાર લોકોને લાકડાના ફટકા પણ માર્યા હતા. પ્રેમિકાને પામવા પત્નીને છૂટાછેડા આપવાની લાયમાં ટેક્સટાઇલના જોબવર્ક સાથે સંકળાયેલા વેપારીએ સાળાની હત્યા કરી નાંખી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ દોડતી થઈ હતી.
ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે સુરત શહેરના કતારગામની નીલકંઠ સોસાયટીમાં બનેવીએ સાળાને ચપ્પુના ઘા મારી નિર્મમ હત્યા કર્યા બાદ આખા પરિવારને જાહેરમાં લાકડાના ફટકા મારી ભાગી ગયો હતો. પત્નીને છૂટાછેડાને લઈને એક વર્ષથી ચાલી રહેલા વિવાદને લઈ બનેવીએ સાળાની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પ્રેમિકાને પામવા પત્નીને છૂટાછેડા આપવાની લાયમાં ટેક્સટાઇલના જોબવર્ક સાથે સંકળાયેલા વેપારીએ હત્યા સુધી પહોંચાડી દીધો હોવાનું જીવતું ઉદાહરણ સામે આવ્યું છે. બનેવી દ્વારા કરાયેલા હુમલામાં મૃતક જયેશભાઇના નાનાભાઈ, તેમની સગર્ભા પત્ની, માતા અને વિધવા થઈ ગયેલી જયેશભાઇની પત્નીને પણ ગંભીર ઇજા થઇ હોવાનું જાણવા મળ્યું છે.
રાઘવભાઈ (મૃતકના કાકા)એ જણાવ્યું હતું કે ભત્રીજી પ્રીતિના લગ્ન 20 વર્ષ પહેલાં મહેશ મધુભાઈ જાંજમેરા સાથે થયા હતા. જોકે જમાઈ મહેશ કેટલાક સમયથી બીજી યુવતીના પ્રેમમાં પડ્યો હતો, જેની જાણ બાદ તે પત્ની પ્રીતિને છૂટાછેડા આપી દેવા માગતો હતો. એટલું જ નહીં, પણ આ મુદ્દે 3-4 વાર મહેશ અને તેનો પરિવાર વેવાઈના ઘરમાં ઘૂસીને ધમકાવવાનો પ્રયાસ કરી છૂટાછેડા આપવા દબાણ કરી ગયો હતો.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે મંગળવારની સાંજે જમાઈ મહેશ અને એનો પરિવાર પિયરમાં આશ્રય લેનાર પ્રીતિને મળવા આવ્યા હતા અને છૂટાછેડાની વાત ઉપાડી ધમાલ કરી હતી, સાથે સાથે પ્રીતિ અને એના પરિવારની મહિલાઓ, જેમ કે ભાભી, માતાને પણ માર માર્યો હતો. માર્કેટમાંથી સાંજે ઘરે ગયેલા જયેશ અને તેમના નાના ભાઈ નિતેશને આ બાબતની જાણ થતાં તેઓ બનેવીને સમજાવવા ગયા હતા. ત્યારે બનેવીએ સોસાયટી બહાર જ જયેશ અને નિતેશ પર ચપ્પુ વડે હુમલો કરી ઉપરાઉપરી ઘા મારતાં બન્ને ભાઈઓ જમીન પર ઢળી પડ્યા હતા. એટલું જ નહીં, ઘરની મહિલાઓને પણ જાહેરમાં લાકડાના ફટકા વડે માર મરાયો હતો.
રાત્રિના સમયે હુમલાખોરોએ લાડકાના ફટકા સહિતના પાઈપ અને અન્ય હથિયારો સાથે હુમલો કર્યો હતો. રસ્તામાં જાહેરમાં માર મરાતા પરિવારના સભ્યો અને સ્થાનિકો પણ બચાવવા વચ્ચે પડ્યાં હતાં. મહિલાઓ પણ આવી ગઈ હતી. જો કે હુમલાખોરોએ માર મારવાનું ચાલું રાખ્યું હોવાનો વીડિયો સામે આવ્યો છે.
વધુમાં જાણવા મળ્યું હતું કે મંગળવારની સાંજે બનેલી આ ઘટના બાદ બન્ને ભાઈ સહિત આખા પરિવારને તાત્કાલિક સારવાર માટે સ્મિમેર હોસ્પિટલ લઈ આવતાં જયેશભાઈને મૃત જાહેર કરાયા હતા, જ્યારે નાના ભાઇ નિતેશને તત્કાલિક એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જયેશભાઇને છાતીમાં 3 અને પેટમાં 1 ઘા અને નિતેશને છાતી અને કમર પર 3-4 ઘા મરાયા હતા. જયેશભાઇ ટેકસટાઇલમાં જોબવર્ક સાથે સંકળાયેલા હતા.
વધુમાં જાણવા મળ્યું હતું કે જયેશભાઇની બહેન પ્રીતિને એક 17 વર્ષની દીકરી સાથે બે સંતાન છે. પ્રેમિકાને પામવા મહેશે પત્નીને એક વર્ષ પહેલાં જ પિયરમાં છોડી દીધી હતી. બાળકો પણ આપ્યાં ન હતાં. આ બાબતે પોલીસ સ્ટેશનમાં કેસમાં ચાલી રહ્યો છે. એક વર્ષમાં લગભગ ચારવાર મહેશે સાળાઓ સહિત તમામ સાસરિયાંને ધમકાવી છૂટાછેડા લેવાનો પ્રયાસ પણ કર્યો છે. 5 દિવસ પહેલાં પણ મહેશે સાસરીમાં ધમાલ મચાવી છૂટાછેડા આપી દો, નહિતર એકને તો હું કાપી જ નાખીશ એવી ધમકી પણ આપી હતી.