સુરતઃ સામાન્ય બાબતમાં થયલો ઝઘડો એ હદ સુધી વધી જાય છે કે તેનું કરુણ અંજામ આવતું હોય છે. આવી જ એક ઘટના સુરતમાં બની છે જ્યાં માત્ર બીડી બાબતે થયેલા ઝઘડાના કારણે યુવકનું મોત થયું હતું. એક યુવકે બીજા યુવકને ધક્કો મારતા નીચે પટકાતા યુવકનું મોત નીપજ્યું હતું. આ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.
મળતી માહિતી પ્રમાણે સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલા ભરવાડ ફળીયામાં રામકૃષ્ણ કોલોનીમાં રહેતો 23 વર્ષીય મઘા રણછોડભાઈ સાટીયા શનિવારે સવારે સરથાણાના શ્યામઘામ મંદિર બાજુમાં લાયન સર્કલ પાસે કામ અર્થે ગયો હતો. ત્યાં પરિચિત વ્યક્તિ સાથે બીડી માંગવાના મુદ્દે તેની ઝપાઝપી થઇ હતી. જેથી મઘાને છોડાવવા તેનો મિત્ર અજય વચ્ચે પડ્યો હતો. જેથી તેના મિત્રના જમણા હાથમાં પીવીસી પાઇપ માર્યો હતો.
બાદમાં પરિચિત વ્યક્તિએ મઘાને ધક્કો મારતા તે જમીન પર જ પડી ગયો હતો. બાદમાં તે રહસ્યમય સંજોગોમાં બેભાન થઈ ગયો હતો. જે બાદમાં તેને સારવાર માટે ખાનગી હૉસ્પિટલમાં ખસેડાયો હતો. અહીં ફરજ પરના ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની જાણકારી મળતા પોલીસ પણ તાત્કાલિક બનાવ સ્થળે દોડી ગઈ હતી.
પોલીસે આ મામલે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. જોકે, પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ આ મામલે હત્યા કે પછી અકસ્માતનો ગુનો છે તે માલુમ પડશે. હાલ સામાન્ય બાબતે થયેલા ઝઘડામાં યુવકના મોત મામલે ધક્કો મરનાર યુવાનની પોલીસે અટકાયત કરી છે. આ મામલે પોલીસ કયો ગુનો દાખલ કરે છે તે જોવું રહ્યું.