પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અને હાલ અમદાવાદની સાબરમતી જેલમાં બંધ અલ્પેશ કથીરીયાની જેલમૂક્તિને લઈ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ સુરત ખાતે કથીરીયાના ઘરની મુલાકાત લીધી હતી. અલ્પેશની નાની બહેને બાપુનું કુમકુમ સાથે તિલક કરી સ્વાગત કર્યું હતું અને કથીરીયાના પરિવારને હૈયાધરપત આપી હતી. મુલાકાત બાદ પત્રકારો સાથે વાત કરતા બાપુએ કહ્યું કે અલ્પેશના પરિવારને લાગણીથી મળવા આવ્યો છું. અલ્પેશ જ્યારે છૂટશે એ ભગવાન જાણે.
તેમણે કહ્યું કે સુરતનુ વાતાવરણ સુસ્ત થઈ ગયું છે. કામરેજથી વરાછા આવતા મેં જોયું કે દિવાળી જેવ ભપકો લાગ્યો નહીં. સુરતની આવી હાલત કેન્દ્ર સરકારની નીતિઓના કારણે થઈ છે. સુરતના ધંધા માટે સરકારે નક્કર કરવાની જરૂરિયાત છે. સુસ્ત સુરત ક્યારેય ગમે નહીં. સરકારે સહાનુભૂતિ સાથે હકારાત્મક અભિગમ સાથે ઉકેલ લાવવો જોઈએ.
તેમણે કહ્યું કે અયોધ્યા મુદ્દે ડ્રામા કરવામાં આવી રહ્યા છે. ભાજપના પગારદાર લોકો આ ડ્રામા કરી રહ્યા છે. મુંહ મે રામ, બગલ મેં વોટ. જે લોકો આવું કરે છે તેમને પીઠ્ઠુ કે પગારદાર જ કહી શકાય. ભજાપને મંદિર નહીં પણ લોકોને ગૂમરાહ કરવા છે. પણ હવે રામના નામે પથરાઓ તરવાના નથી.
તેમણે કહ્યું કે રામ મંદિર તો ગમે ત્યાં બનાવી શકાય છે. કોઈ પણ પ્રમાણિક સંત ક્યારેય પણ સરકારની દલાલી નહીં કરે.
શહેરોના નામ બદલવા અંગે બાપુએ કહ્યું કે નામો બદલવાથી કોઈ ના પેટ ભરવાના નથી. નામ બદલવાથી શું ફેર પડવાનો છે. અયોધ્યામાં નવાબ હતા અને જૂનાગઢમાં પણ નવાબ હતા. અમદાવાદનું નામ બદલાયું નથી. હિન્દુ કે મુસ્લિમ એ બન્નેમાંથી કોઈને પણ મંદિરના મુદ્દામાં રસ રહ્યો નથી. 2019 એ 2014 નથી. હવે ભાજપની સરકાર નહીં આવે.