સુરત મહાનગર પાલિકાની આંખમાં ધુળ નાંખીને કોન્ટ્રાક્ટરો કેવાં પ્રકારના કોઠાકબાડા ચલાવી રહ્યા તેના પરથી પરદો ઉંચકાઈ રહ્યો છે. સુરત પાલિકામાં ગાર્બેજ કલેક્શનના નામે ઈજારાશાહી લાગુ કરવામાં આવ્યા બાદ ઈજારદારોને જાણે ખોટું કરવાનું લાયસન્સ આપી દેવામાં આવ્યું હોય એમ જણાય છે. શાસકો અને વહીવટી તંત્રના મેળાપીપણામાં ચાલી રહેલા આવા જ એક ગોરખધંધાનો ‘સત્ય ડે’ દ્વારા પર્દાફાશ કરવામાં આવી રહ્યો છે.
સુરતના ભરી માતા મંદિર પાસે સુરત મહાનગર પાલિકાનું ટ્રાન્સપોર્ટેશન સેન્ટર આવેલું છે. તેમાં ડોર ટૂ ડોર ગાર્બેજની ગાડી ખાલી કરવામાં આવે છે અને અહીં વેસ્ટ પ્લાસ્ટીક, પૂંઠા, રમકડાં, કાંચ, પેપર પસ્તી, ચંપલના સોલ, લોખંડ, પતરાને અલગ કરી બારોબાર વેચી નાંખવામાં આવે છે. જે આજે અમારી રૂબરૂ વિઝીટમાં જોવા મળ્યું છે.
સુરત મહાનગરપાલિકાએ ડોર ટૂ ડોર ગાર્બેજ કલેકશન કરી છૂટો કરવા માટે ભટારમાં જગ્યા આપી છે પણ તે જગ્યા છોડીને ભરી માતા ખાતે ગેરકાયદે ધંધો કરવામાં આવે છે. કોન્ટ્રાકટર દ્વારા પ્લાસ્ટીક રિ-સાયકલીંગના નામે બેઠાં-બેઠાં માલ ખરીદે છે. પણ એવું અહીંયા કશું જ જણાતું નથી. અહીં તો ફક્ત ગેરકાયદે રીતે કચરાને વેચવાનો ધંધો કરવામાં આવે છે. અને વજન કાંટો લગાવીને જાહેરમાં માલની લે-વેચ થઈ રહી હોવાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.
સુરત મહાનગર પાલિકાના નિયમોનો છડેચોક ઉલ્લંઘન કરવામાં આવી રહ્યો છે, જે અમારા સ્ટીંગ ઓપરેશનમાં ચોખ્ખી રીતે જોવા મળી રહ્યું છે.
સ્ટીંગ ઓપરેશનમાં જોઈએ તો મહારાષ્ટ્ર પાસીંગની ટ્રક દેખાય છે અને ટ્રકમાં માલ ભરીને અન્ય રાજ્યોમાં વેચવામાં આવતો હોવાનું સાબિત થઈ રહ્યું છે.
કોર્પોરેશનના કેટલાક અધિકારીઓ અને કેટલાક અસામાજિક તત્વોની સીધી સાંઠગાંઠ હોવાનું જાણવા મળી રહ્યું છે. સુરત મહાનગર પાલિકાના ભ્રષ્ટ વહીવટી તંત્રના આશિર્વાદથી આવા પ્રકારે ડોર ટૂ ડોર ગાર્બેજ કલેક્શનનાં કચરાને છૂટો કરી વેચવાનું કૌભાંડ ચલાવવામાં આવી રહ્યું હોવાની રજૂઆત સુરત મહાનગરપાલિકાના કમિશનર એમ.થેન્નારાસનને સુરત શહેર કોંગ્રેસના માઈનોરીટી ડિપાર્ટમેન્ટના ચેરમેન હાજી ચાંદીવાલાએ કરતા કમિશનર પણ ચોંકી ઉઠ્યા છે.
હાજી ચાંદીવાલા અને તેમની ટીમે આ સમગ્ર કૌભાંડ બહાર પાડી તેનું સ્ટીંગ ઓપરેશન સત્ય ડેને પહોંચાડ્યું છે. આજે આ તો એક જ ઝોનનો અહેવાલ છે આગામી દિવસોમાં સુરતના અન્ય ઝોનમાં ચાલતા આવા ગોરખધંધાને ઉધાડા પાડવામાં આવશે.
સત્ય ડે પર આ સ્ટીંગ ઓપરેશન દ્વારા ડોર ટૂ ડોર ગાર્બેજ કલેકશનના ઓથા હેઠળ ચાલી રહેલા ગોરખધંધાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. હવે જોવાનું એ રહે છે કે સુરત મહાનગરપાલિકા હવે આ પ્રકરણમાં કેવી કાર્યવાહી કરે છે અને કસુરવારો સામે પગલા ભરે છે કે નહીં.