સુરતના પલસાણા તાલુકાના તાતીથૈયા ગામે ખાડીમાં કેમિકલ ખાલી કરતા બે હેલ્પરોનાં મોતના સોળ દિવસ બાદ કડોદરા પોલીસે તપાસ કરી 15 વ્યક્તિઓ સામે સદોષ માનવવધનો ગુનો દાખલ કર્યો છે. રાજકોટના પૂર્વ મેયર અને મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન એવા ધનસખ ભંડેરી પણ કંપનીના ભાગીદાર તરીકે આરોપી બન્યા છે. જેમાંથી 10 વ્યક્તિઓને પોલીસે ઝડપી પાડયા છે.
ગત નવમી ફેબ્રુઆરીના રોજ સુરતના પલસાણા તાલુકાના તાતીથૈયા ગામની ગોકુલધામ સોસાયટી સામે એક ટેન્કરમાં ભરેલું ઝેરી કેમિકલ ખાડીમાં ખાલી કરતી વખતે ભગવાનભાઇ રેવાભાઇ ભરવાડ અને ભરતભાઇ મેઘાભાઇ સાટીયાનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. ટેન્કર ડ્રાઈવર ઇન્દ્રજીત રાજપૂત બેભાન થયો હતો તેને સુરત સારવારમાં ખસેડાયો પણ હજુ સુધી ભાનમાં આવ્યો નથી. તપાસમાં આ ઝેરી કેમિકલ વેસ્ટ ઝગડિયાની પ્રહરીત પ્રીગ્મેન્ટ એલ.એલ.પી. કંપનીનું ખુલ્યું હતું.
ઝઘડીયાની પ્રહરીત પ્રિગ્મેન્ટ કંપનીમાંથી કેમિકલ ભરી ખાલી કરવા એક ટન દીઠ રૂ.2,300 ડીલરોને ચુકવાતા હતા. ત્યારબાદ ડીલરો સ્થાનિકોની મદદથી ખાડીમાં ખાલી કરતા હતા. આ ઘટનામાં કડોદરા પોલીસે 16 વ્યક્તિઓ સામે ઇપીકો કલમ 304, 284, 120(બી), 114 તથા પર્યવરણ સંરક્ષણ અધિનિયમ કલમ 15 મુજબ ગુનો દાખલ કરી 12 વ્યક્તિઓને ઝડપી પાડયા હતા. તેમજ બે કંપની માલિકો તેમજ બેભાન હાલતમાં સારવાર લઇ રહેલા ડ્રાઇવરની પોલીસે હજુ સુધી ધરપકડ બતાવી નથી.