વૈશ્વિક આર્થિક વિકાસની વાત કરવામાં આવે ત્યારે સને : ૨૦૧૯ થી ૨૦૩૫ના સમયગાળા દરમ્યાન સમગ્ર દુનિયામાં ભારતના ૧૦ શહેરોનો જબ્બર દબદબો રહેશે, અને તેમાં ગુજરાતમાંથી સુરત અને રાજકોટનો સમાવેશ થાય છે. ઓક્સફર્ડ ઇકોનોમિક્સના અહેવાલ અનુસાર આગામી દોઢ – બે દાયકા દરમ્યાન રાજકોટ શહેરનો વાર્ષિક સરેરાશ જી.ડી.પી. વિકાસ દર ૮.૩૩ ટકાનો રહેવાની ધારણા વ્યક્ત કરવામાં આવી છે.
રાજકોટના આર્થિક વિકાસના પાયામાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં થતા પાયાના માળખાકીય વિકાસ કાર્યો અને વર્તમાન મોડર્ન સમયને અનુરૂપ અન્ય આધુનિક વિકાસલક્ષી પ્રોજેક્ટનું મહત્વ ખુબ જ રહે છે, તેમ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું.
પાનીએ આ વિશે વધુ વાત કરતા એમ પણ કહ્યું હતું કે, ઓક્સફર્ડના ગ્લોબલ સિટીઝ રીસર્ચના હેડ રીચાર્ડ હોલ્ટના એક અભ્યાસ અહેવાલના તારણો અનુસાર વિશ્વમાં સૌથી ઝડપી આર્થિક વિકાસ પામી રહેલા શહેરોમાં આગામી બે દાયકા ભારતના શહેરોના નામે હશે. આ તારણ એવો દિશાનિર્દેશ આપે છે કે, સરકારશ્રી અને વહીવટી તંત્ર પૂરપાટ વેગે વિકાસ પ્રક્રિયા આગળ ધપાવી રહયા છે. તેઓની પાયાની નીતિ વિકાસ પર કેન્દ્રિત થયેલી છે.”
અહી એ ખાસ નોંધવું રહયું કે, શહેરોમાં માત્ર રસ્તા, પાણી, લાઈટ, ભૂગર્ભ ગટર, સહિતની માત્ર પાયાની માળખાકીય સુવિધાઓ જ નહી પરંતુ વિવિધરીતે બદલાઈ રહેલા વર્તમાન સમયને અનુરૂપ દુનિયાની લેટેસ્ટ ટેકનોલોજી સાથે તાલ મિલાવી શહેરમાં અત્યાધુનિક સુવિધાઓ પણ ઉપલબ્ધ બનાવવામાં આવે તે દિશામાં સરકાર અને સ્થાનિક વહીવટી તંત્ર ગંભીરતાપૂર્વક ભાર મુકી રહયા છે.”
તેમણે કહ્યું કે, રાજકોટ મહાનગરપાલિકાએ વાતાવરણમાં ભળી રહેલા કાર્બનના ઉત્સર્જનમાં ક્રમશ: ઘટાડો થાય એ માટે શ્રેણીબધ્ધ પગલાંઓ લીધા છે. શહેરને સેઈફ એન્ડ સિક્યોર બનાવવા માટે આશરે ૯૫૦થી વધુ સીસીટીવી સર્વેન્સ નેટવર્ક (રાજકોટ આઈ-વે પ્રોજેક્ટ) કાર્યરત્ત કરી દેશ વિદેશમાં રાજકોટનું નામ રોશન કર્યું છે. વિશ્વ બેન્કે પણ રાજકોટ આઈ-વે પ્રોજેક્ટની નોંધ લીધી છે.”
તાજેતરમાં અન્ય એક આંતરરાષ્ટ્રીય અભ્યાસ અહેવાલમાં રાજકોટ શહેર માટે એવી ધારણા વ્યક્ત કરવામાં આવી હતી કે, વૈશ્વિક જળ વાયુ પરિવર્તન (ગ્લોબલ વોર્મિંગ)ના પડકારો રાજકોટ શહેર માટે એક શાનદાર અવસર બની શકે તેમ છે. સૌરાષ્ટ્રનાં આર્થિક હ્બ રાજકોટમાં ક્લાઈમેટ ચેન્જ ક્ષેત્રમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાલમાં અને ભવિષ્યમાં ક્રમશ: હાથ ધરવામાં આવનારા વિવિધ પ્રોજેક્ટ્સમાં મૂડી રોકાણની ઉમદા તકો ઉભી થઇ રહી છે.