સુરતઃ રાજ્ય અને દેશમાં આત્મહત્યાની અનેક ઘટનાઓ દરરોજ બનતી રહે છે ત્યારે સુરતમાં એક હૃદયદ્રાવક ઘટના બની હતી. અહીં એક પતિએ પોતાના લગ્નની બીજી વર્ષગાંઠ પર જ આત્મહત્યા કરી લીધી હતી. જેના પગલે પત્ની, પરિવાર અને મિત્રો શોકમાં ડૂબી ગયા હતા. આ ઘટનાથી આખા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.
ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે સુરતના ઉમરા વિસ્તારમાં લગ્નની વર્ષગાંઠના દિવસે જ પતિએ ઘરે જઈ ફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધું હતું. મૃતક ઉમરા ગામની બેંકર હોસ્પિટલમાં એમ્બ્યુલન્સનો ડ્રાઇવર હતો.
ઉમરા ગામમાં નિર્મળ નગરમાં રહેતો 24 વર્ષીય ભરત પ્રેમજી મકવાણાએ 24મી તારીખે મોડી સાંજે ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આપઘાત પાછળનું કારણ જાણવા મળ્યું નથી. 2 વર્ષ પહેલાં જ લગ્ન કર્યા હતા.
મૃતક ભરતની પત્ની સ્ટોરમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરે છે. ડેઇલી પત્ની નોકરી પરથી છુટી હોસ્પિટલ પરથી પતિ સાથે ઘરે આવતી હતી. 24મી તારીખે પણ પત્ની હોસ્પિટલ પર ગઈ તે સમયે ભરત હાજર ન હતો. ભરતના મિત્રએ કહ્યું કે, તે બાઇક લઈ ઘરે કામ માટે ગયો છે. ભરતનો કોન્ટેક્ટ કરતા મોબાઇલ બંધ હતો.
થોડીવાર રાહ જોયા પછી પત્ની ઘરે ગઈ તો ભરત ફાંસો ખાધેલી હાલતમાં હતો. ઉમરા પોલીસે પત્ની અને અન્ય સંબંધીઓ તેમજ હોસ્પિટલના સ્ટાફના નિવેદનો લીધા હતા પરંતુ આપઘાતનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. પરંતુ તેમ છતાં તપાસ ચાલી રહી છે. પરિવારજનો ભરતના મૃતદેહને વતન પોરબંદર લઇ ગયા હતા.