ઉંમરવાડા ખાતે આવેલા મલ્ટી લેવલ પાર્કીંગના ટેન્ડર અંગેની પ્રક્રિયા અંગે લીંબાયત ઝોનના ઝોનલ અધિકારી ભૈરવ દેસાઈએ કહ્યું કે ઉંમરવાડા ખાતેના પાર્કીંગના ઈજારા અંગે સુરત મહાનગર પાલિકાની સ્ટેડીંગ કમિટીએ સુઓમોટો નિર્ણય કર્યો હતો. સ્ટેડીંગ કમિટીના ચેરમેન તરીકે ભાજપના કોર્પોરેટર અનિલ ગોપલાણી છે. અનિલ ગોપલાણીએ ક્યા કારણોસર પાર્કીંગ અંગે સુઓમોટો નિર્ણય કર્યો છે તે કળવું મુશ્કેલ છે.
આજે ‘સત્ય ડે’ દ્વારા મલ્ટી લેવલ પાર્કીંગ અંગેનો રિપોર્ટ પ્રસિદ્વ કરવામાં આવ્યો હતો અને મામલો છેક મ્યુનિસિપલ કોર્પોરેશનનાં કમિશનર થેન્નારાસન સુધી પહોંચ્યો હતો. લીંબાયત ઝોનના ઝોનલ અધિકારીએ મોડી સાંજે ‘સત્ય ડે’ સાથેની વાતચીતમાં કહ્યું કે સ્ટેડીંગ કમિટી દ્વારા સુઓમોટો નિર્ણય કરી ઓછા ભાવના ઈજારદારને ટેન્ડર આપવામાં આવ્યું હતું. પરંતુ લીંબાયત ઝોનના ઝોનલ અધિકાર તરીકે મારા ધ્યાને વાત આવતા ટેન્ડરની પ્રક્રિયા નિયમ વિરુદ્વની હોવાનું લાગતા તેને અટકાવી દેવામાં આવી છે. કોઈ પણ ઈજારદારને વર્ક ઓર્ડર કે ટેન્ડરની ફાળવણી કરવામાં આવી નથી.
માહિતી મુજબ ભૈરવ દેસાઈ આજે ઈજારદારોને બોલાવી ટેન્ડર પ્રક્રિયાને અભરાઈએ ચઢાવી હોવાના આરોપ મૂકવામાં આવ્યા હતા પરંતુ હકીકત એવી રીતની સામે આવી છે કે સુરત મહાનગર પાલિકાની સ્ટેડીંગ કમિટીએ સુઓમોટો ઠરાવ કર્યો હતો અને ઓછા ભાવે ઈજારો આપવાનો ખેલ કર્યો હતો જે અંગે ભૈરવ દેસાઈનું ધ્યાન ખેંચાતા તેમણે આખીય ટેન્ડર પ્રક્રિયાને અટકાવી દીધી હોવાનું જાણવા મળી રહ્યું છે.
આખાય મામલામાં સુરત મહાનગરપાલિકાની સ્ટેડીંગ કમિટીના ચેરમેન અનિલ ગોપલાણી શંકાના દાયરામાં આવી ગયા છે. અનિલ ગોપલાણીએ ઝોનની જાણ બહાર, કાયદાકીય પ્રક્રિયા કર્યા વિના પાર્કીંગનો કોન્ટ્રાક્ટ આપવાનો નિર્ણય કેમ કર્યો તે સતત ચર્ચાતો પ્રશ્ન છે.