બારડોલીઃ સગીરા અને બાળાઓ ઉપર દુષ્કર્મ આચરવાની ઘટનાઓ છાસવારે બનતી રહે છે. ત્યારે બારડોલીમાં પોલીસે એક યુવકને દબોચી લીધો હતો. જેણે સગીરાને ગર્ભવતી બનાવી હતી. અને અન્ય યુવતી સાથે લગ્ન કરવા જતો હતો. જોકે, લગ્ન કરે તે પહેલા જ પોલીસે દબોચી લીધો હતો. બારડોલી તાલુકાના સીંગોદ ગામે રહેતી અને કડોદ હાઈસ્કુલમાં અભ્યાસ કરતી સગીરાને કડોદમાં ટ્યુશન ક્લાસના સમયે પ્રેમજાળમાંફસાવી લોભામણી લાલચ આપી પ્રેમસબંધ બાંધી વાઘેચા ગામની સીમમાં તાપી નદી કિનારે અવારનવાર લઈ જઈ શારીરીક સબંધ બાંધી સગીરાને ગર્ભવતી કર્યા બાદ લંપટ યુવાને અન્ય યુવતી સાથે લગ્ન કરવાની ફરીયાદ નોંધાતા પોલીસે લગ્નના આગલા દિવસે જ યુવાનની ધરપકડ કરી હતી.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, કડોદ ગામમાં ધોરણ 10માં નાપાસ થયા બાદ સગીરા બારડોલીના કડોદમાં નર્સિંગનો કોર્સ કરી રહી હતી. અભ્યાસ પૂર્ણ થયા બાદ તે બારડોલીની ખાનગી હૉસ્પિટલમાં નોકરી કરતી હતી.
આ દરમિયાન યુવાન પ્રફુલ વિનોદભાઈ ચૌધરી (ઉ.વ.19 રહે,ખરોલી તા.માંડવી) સાથે સગીરાને સંબંધ બંધાયો હતો. યુવાન પોતાની મોયરસાયકલ લઈ તેને મળવા આવતો હતો અને તેને ફરવા પણ લઇ જતો હતો. સગીરાને લગ્નની લાલચ આપીને પ્રફુલ ચૌધરી તેની સાથે શારીરીક સબંધ બાંધતો હતો. યુવાન આ સગીરાને ઘરેથી ભગાડી પણ ગયો હતો.
પરંતુ આ યુવાન દારૂનો બંધાણી અને કોઇ કામકાજ ન કરતો હોવાથી બંને પોતપોતાના ઘરે પરત આવી ગયા હતા. આ દરમિયાન આ યુવાનના અન્ય યુવતી સાથે લગ્ન નક્કી કરવામાં આવ્યા હતા. બીજી બાજુ સગીરાના પેટમાં બેથી ત્રણ મહિનાનો ગર્ભ હતો.
જેથી આ યુવાનને સબક શીખવાડવા માટે સગીરાએ બારડોલી પોલીસમાં આ યુવાન વિરુદ્ધ ફરિયાદ કરી હતી. જેથી યુવાન હાથમાં મીઢોળ બાંધે એ પહેલા તો પોલીસે તેની ધરપકડ કરી હતી.