સુરતમાં રહેતા અને વહોરા સમાજના અગ્રણી ઉપરાંત તાજેતરમાં સુપર ડુપર ફ્લોપ થયેલી ઈસ્માઈલ દરબારની ફિલ્મ યે કૈસી તિકડમમાં એક ગીત લખનારા સુરતનાં ઝાંપા બજાર વિસ્તારમાં રહેતા બદરી લેસવાલા પર કુખ્યાત વસીમ બિલ્લા અને તેના સાગરિતોએ હુમલો કરતા સનસનાટી વ્યાપી ગઈ છે.
પોલીસ સૂત્રો મુજબ બદરી લેસવાલાની બેગમપુરા ખાતે કરોડો રૂપિયાની જમીન આવેલી છે. આ જમીનને લઈ વર્ષોથી વિવાદ ચાલી રહ્યો હતો. આ વિવાદનો ફાયદો ઉઠાવી ઝાંપા બજારના કુખ્યાત વસીમ બિલ્લા અને કોસાડનાં ચારથી પાંચ ટપોરીઓએ બદરી લેસવાલાના વહોરા સમાજની દેવડી મુબારક પાસે આવેલા મુસાફર ખાના નજીકના લેસવાલાના ઘર પાસે આજે સાંંજે હુમલો કર્યો હતો. લેસવાલાને ગડદાપાટુનો માર મારવામાં આવ્યો હતો. સળીયા, લોખંડની પાઈપ અને લાકડીના ફટકા વડે લેસવાલા પર હુમલો કરાયો હતો.
ઘટનાની જાણ થતાં સલાબતપુરા પોલીસ ઉપરાંત સુરત ડીસીબી સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આખીય ઘટના બદરી લેસવાલાના સીસીટીવીમાં કૈદ થઈ જવા પામી છે. હુમલો કર્યા બાદ વસીમ બિલ્લા અને તેની ટોળકી ફરાર થઈ ગઈ છે. વિદેશમાં પ્રવચન દરમિયાન બદરી લેસવાલાએ પયગમ્બર સાહેબ વિરુદ્વ પણ ટીપ્પણીઓ કરી હતી, જેને લઈને ભારે વિવાદ થયો હતો.