પાટીદાર અનામત આંદોલ સમિતિના આગેવાન અલ્પેશ કથીરીયાના વધુ એક કેસમાં જામની થતાં તે હવે જેલમાંથી બહાર આવશે. કથીરીયાનું વાજતે-ગાજતે સ્વાગત કરવામાં આવશે. અલ્પેશ કથીરીયા સામે બે રાજદ્રોહ અને એક સુરતના અમરોલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. ત્રણેય કેસમાં કથીરીયાનાં જામીન થઈ ગયા હોવાનું પાસના અન્ય એક આગેવાન ધાર્મિક માલવિયાએ જણાવ્યું હતું.
અલ્પેશ કથીરીયા વિરુદ્વમાં અમદાવાદ અને સુરતમાં રાજદ્રોહના કેસ નોંધવામાં આવ્યા હતા. અલ્પેશની સાથે હાર્દિક પટેલે પણ બન્ને કેસમાં આરોપી બનાવાયો છે. હાર્દિક પટેલ પણ હાલ જામીન છે. જ્યારે અલ્પેશની અમદાવાદના કેસમાં ધરપકડ કરવામાં આવી અને સાડા ત્રણ મહિના બાદ જામીન આપવામાં આવ્યા.
અમદાવાદ કોર્ટ જામીન આપે તે પૂર્વે કથીરીયાની સુરતના રાજદ્રોહના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. બે દિવસ પહેલાં સુરતની સેશન્સ કોર્ટે કેટલીક શરતોને આધીન જામીન મંજુર કર્યા હતા. જ્યારે સુરતના અમરોલી પોલીસ સ્ટેશનમાં 307ના કેસમાં કથીરીયાની ધરપકડ કરવામાં આવી હતી. અમરોલીમાં ગુના રજિસ્ટર્ડ નંબર 226/2017નો કેસ પેન્ડીંગ હતો. આ કેસમાં કથીરાયાની ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરવામાં આવ્યા બાદ આજે જામીન અરજી રજૂ કરવામાં આવી હતી. કોર્ટે અલ્પેશ કથીરીયાના જામીન મંજુર કરતા પાટીદાર અનામત આંદોલન સમિતિના કાર્યકરો અને યુવાનોમાં આનંદ છવાયો છે. કથીરીયાનું વાજતે-ગાજતે સ્વાગત કરવામાં આવશે.