સામાન્ય રીતે સામાજીક ઝઘડા, વ્યાજખોરોનો ત્રાસ, પાક નિષ્ફળ જવાથી કે પછી પ્રેમમાં પાગલ થયેલા લોકો આત્મહત્યાનો રસ્તો અપનાવતા હોય એવા કિસ્સાઓ રોજબરોજના જીવનમાં આપણે અનેકવાર જોયા હશે પરંતુ સુરતમાં એક એવો આત્મહત્યાનો કિસ્સો બન્યો છે જેનું કારણ જાણીને તમારા હોશ ઉડી જશે. વાત જાણે એમ છેકે માથાના આગળના વાળ ઓછા હોવાથી તણાવ અનુભવતા સુરતના ઉગત ગામના યુવકે ફાંસો ખાઇને પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું.
મળતી માહિતી પ્રમાણે સુરતના ઉગત ગામમાં આવેલી સત્તાધાર સોસાયટીમાં રહેતા 23 વર્ષીય હાર્દિક અશોકભાઇ પટેલની બુધવારે સવારે ઘરમાંથી ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી. પરિવારજનોએ તેને ફાંસો ખાધેલી હાલતમાં જોતા હેબતાઇ ગયા હતા. તેને નીચે ઉતારાયો ત્યાં સુધીમાં તેનું મોત થઇ ગયું હતું. હાર્દિકે ઘરમાં છતની હૂક સાથે ચાદર બાંધીને ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હોવાનું પોલીસ જણાવી રહી છે.