ભાજપ સરકારે બે વર્ષ પહેલાં અચાનક લાદેલી નોટબંધીની ગંભીર અસર દેશ વેઠી રહ્યો છે. વેપારધંધા ઠપ થઈ ચૂક્યા છે. બેરોજગારી તેની પરાકાષ્ઠાએ છે. ખેડૂતોની દશા ખુબ બદત્તર થઈ ગઈ છે. નોટબંધીની ઘોર નિષ્ફળતા અંગે સમાજમાં એક સંદેશ પહોંચાડવા સુરત શહેર જીલ્લા કોંગ્રેસ સમિતિએ મંગળવારે પ્રતિક ધરણાંનો કાર્યકમ આપ્યો હતો. અઠવાલાઈન્સ કલેક્ટર કચેરી, જીલ્લા સેવા સદન પાસે આ ધરણા કરાયા હતાં. શહેર કોંગ્રના પ્રમુખ બાબુ રાયકા અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જગદીશ પટેલ, યુથ કોંગ્રેસના પ્રદીપ ભરવાડ, પાલિકામાં કોંગ્રેસના કોર્પોરેટર્સ, યુથ કોંગ્રેસ, મહિલા કોંગ્રેસ, સેવાદળ, એન. એસ.યુ.આઇ.અને કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં. તેમણે મોદી સરકાર વિરુદ્ધ સૂત્રચ્ચાર કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો.
શહેર કોંગ્રેસના પ્રવક્તા કિરણ રાયકાનું કહેવું હતું કે, નોટબંધીની આડઅસર તમામ ક્ષેત્રમાં જોવા મળી રહી છે. વેપારીઓ પાસે વેપાર નથી. કામદારો પાસે કામ નથી. ઉદ્યોગો બંધ થવા માંડ્યા છે. ગરીબ અને સામાન્ય માણસની સ્થિતિ એટલી કફોડી થઈ ચૂકી છે અને હજુ વધુ થઈ રહી છે કે, અસ્તિત્વ ટકાવવા માટે ઝઝૂમવુ પડી રહ્યું છે. છતાં કેન્દ્ર સરકારને તાયફાઓ કરવામાં અને ચૂંટણીઓમાં ભાષણ કરવામાં જ રસ દેખાય રહ્યો છે.