World Chess Champian D Gukesh : “ચેસની ફેક્ટરી: ગુકેશ સહિત 17 ગ્રાન્ડમાસ્ટરનું સ્વપ્ન સાકાર કરનારી સ્કૂલ”
ડોમરાજ ગુકેશ માત્ર 18 વર્ષની ઉંમરે વિશ્વના સૌથી યુવા ચેસ ચેમ્પિયન બન્યા
તેઓએ આ સિદ્ધિ ચીનના ડિંગ લિરેનને હરાવ્યા પછી હાંસલ કરી
વેલમ્મલ સ્કૂલ, જેને “ચેસ ફેક્ટરી” તરીકે ઓળખવામાં આવે છે, ત્યાંથી ગુકેશ સહિત 17 ભારતીય ગ્રાન્ડમાસ્ટર્સએ અભ્યાસ કર્યો
નવી દિલ્હી, ગુરુવાર
World Chess Champian D Gukesh : ભારતના પ્રતિભાશાળી ગ્રાન્ડમાસ્ટર ડી ગુકેશ હાલમાં દુનિયાના સૌથી યુવા ચેસ ચેમ્પિયન બન્યા છે. તેમણે વિશ્વ ચેસ ચેમ્પિયનશિપના 14મા અને અંતિમ રાઉન્ડમાં ચીનના ડિંગ લિરેનને પરાજય આપીને આ સિદ્ધિ હાંસલ કરી હતી. માત્ર 18 વર્ષની ઉંમરે આ સિદ્ધિ હાંસલ કરનાર ગુકેશે આથી પહેલાં પણ અનેક રેકોર્ડ બનાવ્યા છે.
ડોમરાજ ગુકેશનું પરિવાર અને પ્રારંભિક જીવન
ડોમરાજ ગુકેશ, એટલે કે ડી ગુકેશ, ચેન્નાઈના રહેવાસી છે. તેમના પિતા ડૉ. રજનીકાંત એક ચિકિત્સક છે અને માતા ડૉ. પદ્મા માઇક્રોબાયોલોજીસ્ટ છે. માત્ર સાત વર્ષની ઉંમરે ગુકેશે ચેસ રમવાનું શીખવાનું શરૂ કર્યું હતું. પ્રથમ પ્રારંભિક કોચિંગ પછી ગુકેશને વિશ્વના મહાન ચેસ પ્લેયર વિશ્વનાથન આનંદ પાસે તાલીમ મેળવવાનો મોકો મળ્યો, જે તેમની પ્રગતિમાં માઈલસ્ટોન સાબિત થયા.
મર્યાદિત શૈક્ષણિક પૃષ્ઠભૂમિ
ડિ ગુકેશનું ઔપચારિક શિક્ષણ ખૂબ જ મર્યાદિત રહ્યું છે. તેઓ માત્ર ચોથા ધોરણ સુધી જ શાળાએ ગયા હતા. તે ચેન્નાઈની વેલમ્મલ મેટ્રિક્યુલેશન હાયર સેકન્ડરી સ્કૂલમાં ભણ્યા હતા. તેમના પિતાના જણાવ્યા અનુસાર, રમત અને અભ્યાસ વચ્ચે સંતુલન સાધવું મુશ્કેલ થતા ગુકેશે પ્રોફેશનલ ચેસ પર વધુ ધ્યાન આપવા માટે નિયમિત અભ્યાસ છોડી દીધો હતો.
વેલમ્મલ સ્કૂલ: ચેસ ફેક્ટરી
વેલમ્મલ મેટ્રિક્યુલેશન હાયર સેકન્ડરી સ્કૂલને “ચેસ ફેક્ટરી” કહેવામાં આવે છે. આ શાળાએ ગુકેશ ઉપરાંત પ્રજ્ઞાનંદ, એ અધિબાન અને એસપી સેતુરામન જેવા 17 ભારતીય ગ્રાન્ડમાસ્ટર્સને સર્જ્યા છે. 1986માં સ્થાપિત આ શાળા વેલમલ એજ્યુકેશનલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત થાય છે અને ભારતમાં ચેસ રમતમાં પ્રગતિ માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.